પાટણ, 3 ઓગસ્ટ (હિ.સ.) : સારા વરસાદને કારણે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં નવા નીર આવતાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે ઉમંગભર્યું વધામણું કર્યું હતું. તેમણે માં સરસ્વતીના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી અને વિસ્તારની સુખ-શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી. નદીમાં પાણીના પ્રવાહથી સિદ્ધપુર અને આસપાસના વિસ્તારોમાં આનંદનું વાતાવરણ છવાયું છે.
મંત્રીએ સરસ્વતી નદી ખાતે નિર્માણ પામતા રિવરફ્રન્ટની કામગીરીની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રાંત અધિકારી જય બારોટ અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં વર્ષભર પાણી ભરેલું રહે. રાજ્ય સરકાર દ્વારા પ્રાચીન સમયમાં રહેલી નદીની ભવ્યતા પુનઃસ્થાપિત કરવા માટે યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર