મહેસાણા, 3 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા રેલવે સ્ટેશન પરથી અયોધ્યા માટે સીધી ટ્રેન સેવાની શરૂઆત કરવામાં આવી છે. ભાવનગર અને અયોધ્યા વચ્ચે ચલાવાતી નવી “ભાવનગર-અયોધ્યા એક્સપ્રેસ” ટ્રેન (નંબર 19201/19202) નો ઉદ્ઘાટન સમારોહ મહેસાણામાં આયોજાયો હતો. આ વિકલી ટ્રેન દર સોમવારે ચાલશે અને મહેસાણા રેલવે સ્ટેશન પર પણ તેનો સ્ટોપ રહેશે.
ઉદ્ઘાટન પ્રસંગે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશ, સિનિયર DCM અન્નુ ત્યાગી, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ (મહેસાણા), કિરીટભાઈ પટેલ (ઊંઝા), સરદારભાઈ ચૌધરી (ખેરાલુ) અને અમુલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ટ્રેન સેવાની ઉત્સાહપૂર્વક સરાહના કરી અને ટ્રેન નંબર 19201 ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
દર સોમવારે સાંજે 7:00 વાગે મહેસાણા પહોંચતી આ ટ્રેન યાત્રીઓને અયોધ્યા સુધી સીધી, આરામદાયક અને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ આપે છે. રામ લલ્લાના દર્શન માટે અયોધ્યા જવા ઈચ્છતા ધાર્મિક યાત્રાળુઓ માટે આ સેવા ખુબ ઉપયોગી સાબિત થશે. મહેસાણા અને આસપાસના વિસ્તારોના યાત્રિકોમાં આ નવી ટ્રેન સેવાથી આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR