ભાવનગર 3 ઓગસ્ટ (હિ.સ.) સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ભાવનગર રેન્જ દ્વારા તા. ૦૩ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભોજપરા સ્થિત INARCO PVT. LTD. ખાતે સાયબર સુરક્ષા અંગે જાગૃતિ પ્રસારવાના ઉદ્દેશ્યથી વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કંપનીના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓની હાજરીમાં આયોજિત આ સત્રમાં આજે વધતા જતા સાયબર ક્રાઈમના બનાવો, ટેક્નોલોજીનો દુરુપયોગ તથા ઈન્ટરનેટ આધારિત ઠગાઈના બનાવો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે, આજના યુગમાં સ્માર્ટફોન, ઈ-મેલ, સોષિયલ મીડિયા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સનો વધતો વપરાશ માણસને સરળતા આપે છે, પણ સાથે સાથે ખતરાઓ પણ વધાર્યા છે. ખાસ કરીને ફિશિંગ, વીશિંગ, યુપીઆઈ સ્કેમ, કસ્ટમર કેર ઠગાઈ, ફેક એપ્લીકેશન્સ, ક્યૂઆર કોડ સ્કેનિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ થઈ રહી છે.
કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને ફેક લિન્કથી દૂર રહેવું, અજાણ્યા નંબરથી આવતા કોલ અથવા મેસેજ પર વ્યક્તિગત માહિતી ન આપવી, પર્સનલ ડેટા શેયર ન કરવો, બેંકિંગ ડિટેઈલ્સ સુરક્ષિત રાખવી જેવી જરૂરિયાતની સલાહો આપી. સાથે જ “cybercrime.gov.in” પોર્ટલ તથા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ વિશે જાણકારી આપી અને ક્યારે સાયબર ગુનો બન્યે ક્યાં રિપોર્ટ કરવો તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાયબર ક્રાઈમ અંગે સાદગીથી સમજ આપી વ્યક્તિગત અને વ્યવસાયિક સ્તરે સુરક્ષિત રાખવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. INARCO PVT. LTD. તરફથી આવા જાગૃતિમૂલક પ્રયાસની પ્રશંસા કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai