ભાવનગર, 3 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર, 3 ઓગસ્ટ: ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજ રોજ મહત્વપૂર્ણ પ્રસંગે ભાવનગરથી અયોધ્યા જતી નવી સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી. આ પ્રસંગે માનનીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, માન. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા , માન. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બમ્ભનિયાં અને અનેક સાથી ધારાસભ્યો તથા સ્થાનિક હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ પ્રસંગે રેલવે મંત્રીએ જણાવ્યું કે, દેશના પવિત્ર ધામ અયોધ્યા તરફ ભાવનગરથી સીધી ટ્રેન સેવાના પ્રારંભથી હજારો શ્રદ્ધાળુઓને લાભ મળશે. તેમણે ગુજરાતના રેલવે વિકાસના નવા અધ્યાયની શરૂઆત તરીકે આ ટ્રેનને ઓળખાવી.
કેન્દ્રીય મંત્રી મંડવિયાએ, ભાવનગરથી ઉત્તર ભારતના ધાર્મિક સ્થળો સાથે કનેક્ટિવિટી વધારવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. નિમુબેન બામ્ભનિયાએ પણ તેમના મતવિસ્તાર અને સૌરાષ્ટ્ર માટે આ ટ્રેનને આશીર્વાદરૂપ ગણાવી.
સ્થાનિક જન પ્રતિનિધિઓ અને નાગરિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. ભાવનગરથી અયોધ્યા જતી ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ, લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. રેલવે દ્વારા નવા રેક અને આધુનિક સુવિધાઓ સાથે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
આ સેવા, ભાવનગરના વિકાસ અને ધાર્મિક પ્રવાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai