સુરત, 3 ઓગસ્ટ (હિ.સ.)-સુરત શહેરમાં 1 ઑગસ્ટે એક ક્રુર હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ શખ્સોએ ચપ્પુ વડે કાપડના દલાલની જાહેરમાં હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી વાટિકા ટાઉનશીપ પાસે આ ઘટના બની હતી.
45 વર્ષીય આલોક ઝંડારામ અગ્રવાલ, જેને શહેરના કાપડ વેપાર જગતમાં જાણીતો દલાલ માનવામાં આવતો, તેને શુક્રવારે મોડી રાત્રે ત્રણે શખ્સોએ ઘેરી લીધો અને ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકી ગંભીર રીતે ઘાયલ કર્યો. એટલું જ નહીં, આરોપીઓએ તેમની જમણી હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
આ હૃદયદ્રાવક ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ કેદ થઈ છે. હાલમાં આરોપીઓ ફરાર છે અને લિંબાયત પોલીસે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ ગતિમાન કરી છે. હત્યાના કારણ પાછળ કેવો વૈર કે જનોસંપર્ક હતો તે જાણવા પોલીસે વિવિધ કોણેથી તપાસ શરૂ કરી
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે