અનિષ્ટ બનાવ ના બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે, દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું
સેવાભાવી સંસ્થાએ દશામાની મૂર્તિઓના ચુંદડી ,હાર ,માળા સહિતના શણગારો ઉતાર્યા હતા
માતાજીના શણગારની વસ્તુઓના ઢગલે ઢગલા નીલકંઠેશ્વરના પટાંગણમાં પડી રહેતા ગંદકીની ભરમાર
ભરૂચ 3 ઓગસ્ટ (હિ.સ.)
ભરૂચ જિલ્લામાં દસ દિવસ પૂજન અર્ચન અને આતિથ્ય માણ્યા બાદ આજે વહેલી સવારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.હાલમાં નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા છે. ભરૂચમાં 20 ફૂટ પાણીની સપાટી વટાવી ગયું છે ત્યારે આવી પરિસ્થિતિમાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ પર મધ્યરાત્રીથી જ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ દરમિયાન કોઈ અનિષ્ટ બનાવ ના બને જેને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું સાથે જ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ દશામાની મૂર્તિઓ પર લગાવેલા ચુંદડી ,હાર ,માળા સહિતના શણગારો ઉતારવામાં આવ્યા હતા. પરંતુ સેવાભાવી સંસ્થાઓ માત્ર જરૂર જેવી જ વસ્તુઓ ઉતારવામા આવી રહી હતી.
જ્યારે અન્ય ચીજ વસ્તુઓના ઢગલે ઢગલા નીલકંઠેશ્વરના પટાંગણમાં જ રહેવા દેતા ગંદકીની ભરમાર જોવા મળી રહી હતી.હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આવતીકાલે શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાંથી શિવ ભક્તો નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે ત્યારે આવા ઢગલામાંથી દુર્ગંધ આવતી હોય આ બાબતે ભક્તોએ નારાજગી વ્યક્ત કરી હતી.માતાજીના દસ દિવસ સ્થાપન, પૂજન, અર્ચન અને આતિથ્ય બાદ જો આવી રીતે ધાર્મિક સ્થળે ગંદકી કરવામાં આવતી હોય તો એ આપણી આસ્થામાં ખોટ કહેવાય .માતાજીના સાજ,શણગાર અને દરેક વસ્તુ પવિત્ર હોય છે એમાં સૌથી પાવન અને પવિત્ર મૂર્તિ હોય છે માટે આસ્થાને ઠેસ ના પહોંચે એવી રીતે આપણી વિધિ કરી યોગ્ય નિકાલ દરેક ભક્તોએ કરવો જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ