ભાવનગર, 3 ઓગસ્ટ (હિ.સ.) : સુરત સ્થિત નારોલા ડાયમંડના મોભી ધીરૂભાઇ નારોલા અને કનેયાલાલ નારોલા પરિવારનું વતન પ્રેમ આજે સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક ઉજળું ઉદાહરણ બની રહ્યું છે. દામનગર નજીક આવેલા ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે નારોલા પરિવારે જન્માષ્ટમીના પાવન પર્વે પર્યાવરણ માટે ઐતિહાસિક કાર્ય કરીને સમાજના હ્રદયમાં સ્થાન બનાવ્યું છે.
સ્વ. લાભુદાદાના નવ દીકરાઓમાંથી ઉભા થયેલા ઘેઘુર કુટુંબની આશરે ૨૫૦ દીકરીઓને પિયર બોલાવી, ભવ્ય સામૈયા અને સત્કાર સાથે એક અનોખું વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું. કેવળ ઉત્સવ પૂરતો સીમિત ન રહેતાં, આ કાર્યક્રમમાં ૧૮,૦૦૦થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, જેમાં ૬,૦૦૦ જેટલા આંબાના વૃક્ષો ખાસ ઉછેરાયા છે.
આ મહાઅભિયાનનો મુખ્ય હેતુ માત્ર હરિયાળું પર્યાવરણ જ નહોતું, પરંતુ પિયરના ખેતરમાં દીકરીઓના વરદહસ્તે વૃક્ષારોપણ કરાવવાનો પવિત્ર સંસ્કાર પણ હતો. પિયરમાં દીકરીઓનું આવકાર, સાથે ધરતીમાતાને પિયરરૂપે વહાલ આપવો — આવા ભાવસભર કાર્ય દ્વારા નારોલા પરિવારે શ્રેષ્ઠ સંસ્કારોનાં સિંચન કર્યું.
ધીરૂભાઈ નારોલા અને કનેયાલાલ નારોલા દ્વારા દિર્ઘદૃષ્ટિથી આયોજન થયેલી આ કાર્યક્રમમાં નાની વાવડી ગામને લીલુંચમ બનાવવાનો દ્રઢ સંકલ્પ સ્પષ્ટપણે દેખાયો. ગામના બાળકોથી માંડી વૃદ્ધો સુધી દરેકે સહભાગી બની પર્યાવરણના પ્રત્યે નૂતન ચેતના વ્યક્ત કરી.
જ્યાં આજે શહેરીકરણ અને કાર્બન ફૂટપ્રિન્ટથી ધરતી બેસી રહી છે, ત્યાં નાની વાવડીના આ ઉદ્દાત કાર્યથી ‘વૃક્ષો બચાવો – જીવન બચાવો’નો મજબૂત સંદેશ પ્રાપ્ત થાય છે.
તરું વાવ્યા વિના જેવી રીતે તરાઈ શકાતું નથી, તેમ વૃક્ષો વિના જીવન સંભવ નથી. — નારોલા પરિવારની આ ભાષા નથી, આ તો તેમની કામગીરીની અસરકારક ભાષા છે.
આવી રીતે પર્યાવરણ માટે પ્રેમ, વતન માટે સમર્પણ અને દીકરીઓ માટે માન આપતી એવી પાવન ઉજવણીથી ‘જન્માષ્ટમી’ માત્ર ધાર્મિક નહીં, પણ સાંસ્કૃતિક અને પર્યાવરણપ્રેમી પરંપરાનો ઉત્સવ બની ગયો છે. નાની વાવડી હવે માત્ર ગામ નહિ રહી, પરંતુ ગુજરાત માટે લીલી આશાની પ્રેરક ભૂમિ બની છે — જ્યાં આંબા વાવ્યા છે અને ત્યારે ખરેખર ‘કેરી’ જેવી સુંદર અને મીઠી સદભાવના ફળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai