પાટણ, 3 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં દશામાતા વ્રતની પૂર્ણાહુતિ બાદ વ્રતધારી બહેનો દ્વારા પદ્મનાભ જંક્શનથી રાજનગર સુધીની કેનાલમાં, પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓ, નારિયેળ, ચુંદડી સહિતની પૂજાસામગ્રીનું વિસર્જન કરવામાં આવ્યું. આ કેનાલ શહેરના પીવાના પાણીનો સ્ત્રોત હોવા છતાં તેમાં વિસર્જન થતાં પાણીની ગુણવત્તા પર પ્રભાવ પડ્યો છે.
નગરપાલિકા તરફથી ટોલી મુકવામાં આવી હતી, છતાં પણ સ્થળ પર કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આના કારણે કેટલાક સ્થળોએ મૂર્તિઓ રસ્તાઓ પર રઝળતી જોવા મળી હતી, જેને લઈને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. નગરપાલિકાએ સલાહ આપી હતી કે, પાણી ઉકાળીને પીવું, પણ પાણી શુદ્ધ રાખવા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા.
કોર્પોરેટર ભરત ભાટિયાએ આક્ષેપ કર્યો કે, નગરપાલિકાની નિષ્ક્રિયતા અને યોગ્ય વ્યવસ્થાની અછતના કારણે પાટણની પ્રજાને POP મૂર્તિઓ, અબીલ-ગુલાલ, કંકુ, ફૂલો અને કેનાલમાં આવેલા ગંદા પાણીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેદરકારી જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર