પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કૂપોષિત બાળકને સુપોષિત બનાવવા માટે રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર ખાતે બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે. ચાઈલ્ડ માલન્યૂટ્રિશન ટ્રીટ્મેન્ટ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના 514 જેટલા બાળકો તંદુરસ્ત બન્યાં છે.ગુજરાત રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગનું તંત્ર સરાહનિય કામગીરી કરી રહ્યું છે.
ગુજરાતમાં ચાઇલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર્સ (CMTC) અને ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટર્સ (NRC) બાળકોમાં તીવ્ર કુપોષણની સારવાર માટે કાર્યરત છે. આ કેન્દ્રો ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મિશન (GSNM) હેઠળ કામ કરે છે, આ કેન્દ્રોનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં કુપોષણની સમસ્યાને નિયંત્રિત કરવી અને તેમના શારીરિક તેમજ માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.પોરબંદરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી. મહેતાએ એવું જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે મુખ્યમંત્રીનો અભિગમ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં રાણાવાવ, કુતિયાણા અને પોરબંદરમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે. અને અહી છેલ્લા ત્રણ વર્ષમાં 514 બાળકોને લાભ અપાયો છે.
મેડિકલ ઓફિસર હિતેશ રંગવાણીએ જણાવ્યુ હતું કે બાળ સંજીવની કેન્દ્રમાં સતત 14 દિવસ સુધી બાળકોની સારસંભાળ લેવાની સાથે દર બે કલાકે પૌષ્ટીક ખોરાક આપી, વજન ઉંચાઇ માપી બોડી, પેશાબ, લોહી ચેકપ અને શરીરનો એક્ષરે લઇ દરેક રીપોર્ટ કરાઇ છે. આ સેન્ટરમાં ન્યુટ્રીશન આસિસ્ટન્ટ, કુક અને આયા સહિત બહેનોનો સ્ટાફ બાળકોની સેવામાં સતત કાર્યરત રહે છે. પોરબંદર આર.બી.એસ.કે.માં ફરજ બજાવતા ડિમ્પલ પઢીયારે દરેક વાલીઓને નજીકના આંગણવાડી કેન્દ્ર તથા આરોગ્ય કેન્દ્રમાં પોતાના બાળકના આરોગ્યની દર છ મહિને તપાસ કરાવવા અપિલ કરી જરૂર જણાઇ તો બાળ સંજીવની કેન્દ્રનો લાભ લેવા જણાવ્યું હતું.
લાભાર્થી હર્ષિતાબેન ભરત વાંદરીયાએ બાળકની સાથે તેઓને ભોજન સહિતની સુવિધા મળતી હોય અને બાળક તંદુરસ્ત બન્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ ચિતલા ચોકમાં રહેતા અન્ય લાભાર્થી પુજા હરીશભાઇ મસાણીએ સરકારનો આભાર વ્યક્ત કરતા જરૂર જણાય તો આ સેન્ટરનો લાભ લેવા વાલીઓને અપીલ કરી હતી. અહી બાળકો માટે રમકડા સહિતાની સુવિધા છે અને બાળક સાથે આવનાર માતાને રહેવા, ભોજન ઉપરાંત 2500 રૂપિયા સરકારની સહાયનો લાભ મળે છે, આ રકમ વિકટ સમયમાં ખુબ ઉપયોગી બને છે.
આમ, પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર એટલે કે ચાઈલ્ડ માલન્યૂટ્રિશન ટ્રીટ્મેન્ટ સેન્ટર છે. તેમજ રાણાવાવ અને કુતિયાણામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કાર્યરત બાળ સંજીવની કેન્દ્રનો લાભ લેવા જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya