જૂનાગઢ 3 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૦૭ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે, સહાયના મંજૂરી પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ સહાયમાં પાવર થ્રેશર, ગોડાઉન, પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, પંપ સેટ, તાર ફેન્સીંગ વગેરે ખેતીલક્ષી વિવિધ સાધનો અને ઘટકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે.ભટ્ટે આપ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા વિશે સૌને જૂનાગઢ સહકારી બેન્કના ચેરમેન કિરીટભાઈ પટેલે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ આત્મા પ્રોજેક્ટમાંથી પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.જી.રાઠોડે કરી હતી. મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ તેમનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજ રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના ના ૨૦માં હપ્તા અન્વયે જૂનાગઢ જિલ્લાના આશરે ૧,૫૦,૯૬૬ ખેડૂતોને રૂ. ૩૧.૮૯ કરોડથી વધુની સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના અધ્યક્ષ સ્થાને વારાણસી ખાતે યોજાયો હતો. તેમજ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં યોજાયો હતો. જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. આ ઉપરાંત વિષયને અનુરૂપ યોજનાઓની માહિતી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
ઉક્ત કાર્યક્રમમાં ઇનચાર્જ જિલ્લા કલેકટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, એપીએમસીના ચેરમેન કેવલભાઈ ચોવટિયા, ખેતીવાડી, બાગાયત, આત્મા પ્રોજેક્ટના વિવિધ અધિકારીગણ અને કર્મચારીગણ, ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ