પાટણ, 3 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુરના ધંધાર્થી મહંમદ સલીમ શેખ, તેમની પત્ની અને બનેવીના બેંક ખાતાઓમાંથી ટુકડે ટુકડે કરીને કુલ રૂ. 18.38 લાખની રકમ ઉચકનાર ઠગ ટોળકીના કેસમાં પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ભાવનગરના ઇમરાન હારૂન ચૂડેસરાની ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થયા પછી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ઈમરાને મુકેલી જામીન અરજીને પાટણના ચીફ મેજિસ્ટ્રેટ નૌશાદ પઠાણે નામંજૂર કરી હતી.
આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ઇમરાને રિમાન્ડ દરમિયાન જણાવ્યું હતું કે તે પોતે પણ એક મોટા ફ્રોડનો શિકાર બન્યો છે. તપાસમાં ખુલ્યું છે કે રાજસ્થાનના ઉદેપુરના મુકેશ જાટે ઇમરાનના નામે અમદાવાદમાં ‘મરીન ટ્રેડિંગ’ નામે કંપની શરૂ કરી હતી અને બેંક એકાઉન્ટ પણ તેના નામે ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં રૂ. 23.86 લાખ ટ્રાન્સફર થયા હતા.
ઇમરાન ભાવનગરના કાર શો રૂમમાં માત્ર 10,000ના પગારે નોકરી કરતો હતો અને તેના પિતા રિક્ષા ચલાવતા હતા. ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યા પછી તેણે અમદાવાદમાં કપડાંનો નાનો વેપાર શરૂ કર્યો હતો. નવેમ્બર 2024માં તેણે મિત્ર પાસેથી રૂ. 25,000 ઉછીના લઈને હોલસેલમાંથી માલ લઈને રિટેલમાં વેચવાનું શરૂ કર્યું હતું.
આ દરમ્યાન મુકેશ સાથે સંપર્ક થયો હતો, જેણે ઇમરાનને ધંધામાં ભાગીદાર બનાવી 2.5% નફો આપવાની લાલચ આપી. સોનીની ચાલીમાં ભાડાની દુકાન લીધી અને ઇમરાનના નામે કંપની શરૂ કરી હતી. બેંક એકાઉન્ટ ખોલાવીને કિટ મુકેશે પોતાના પાસે રાખી લીધી હતી. ઇમરાનને માત્ર 5,000 અને બે વાર 2,000-2,000 રૂપિયા મળ્યા હતા.
13 જાન્યુઆરી 2025ના રોજ મુકેશે તેના તમામ ફોન અને સિમકાર્ડ નષ્ટ કરી નાખ્યા હતા અને ઇમરાનનો ફોન બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ તે ગાયબ થઈ ગયો અને ઇમરાન ભાવનગર પાછો ફર્યો. પાટણ સાયબર ક્રાઈમ પોલીસે તપાસમાં વપરાયેલા મોબાઇલ નંબરનો ડેટા મંગાવ્યો હતો, પરંતુ VPNનો ઉપયોગ થવાને કારણે માહિતી મળી નહોતી. જે ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ હતી તેમાં ગુજરાતના ‘મરીન ટ્રેડિંગ’ સહિત અન્ય રાજ્યોના ખાતાઓ પણ હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર