પાટણ, 3 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ તાલુકાના કુડેર ગામની સીમમાં આવેલ સધી માતાજી મંદિરના પાછળ આવેલા એક ગોડાઉનમાંથી અજાણ્યા ચોરે તમાકુની ચોરી કરી છે. ચોરે શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી અંદાજે રૂ. 1,90,000 કિંમતની 200 બોરી તમાકુ ચોરી લીધી હતી. દરેક બોરી 15 કિલોની હતી અને તેની કિંમત રૂ. 950 જેટલી હતી.
આ ગોડાઉન પાટણના ચાણસ્મા રોડ પર રહેતા વેપારી અરવિંદભાઈ અમથારામ નાનજીભાઈ પટેલનું છે. ચોરી બાદ અરવિંદભાઈએ બાલિસાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હાલ ચોરની શોધખોળ ચાલુ છે અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર