અમરેલી 30 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. તાલુકાના માંગવાપાળ અને કુકાવાવ તાલુકાના સનાળી ગામે ગ્રામ પંચાયત મકાનોના નિર્માણ માટે કુલ રૂપિયા પચાસ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. બંને ગામોને તબક્કાવાર રીતે ૨૫-૨૫ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.
આ નવી ઈમારતો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેથી સ્થાનિક નાગરિકોને પ્રશાસકીય સેવાઓ સરળતાથી મળી શકે. પંચાયત ઘરો ગામના વિકાસ કાર્યો, જનસભાઓ, લોકહિતના કાર્યક્રમો અને શાસકીય યોજનાઓના અમલીકરણ માટે કેન્દ્રસ્થાનરૂપ બનશે. જૂના મકાનોની તુલનામાં આ નવિન ઈમારતો વધુ મજબૂત, આકર્ષક અને સુવિધાજનક બનીને ગામના સામાજિક તેમજ શૈક્ષણિક કાર્યો માટે પણ ઉપયોગી બનશે.
સરકારની આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોમાં સુશાસન મજબૂત બનશે તેમજ લોકોએ પોતાની સમસ્યાઓ નિરાકરણ માટે યોગ્ય માળખાકીય સુવિધા પ્રાપ્ત થશે. અમરેલી જિલ્લાના ગામડાઓમાં આ પ્રકારના અદ્યતન મકાનોનું નિર્માણ ગ્રામજનોના જીવનસ્તરને સુધારવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai