નવસારી, 30 ઓગસ્ટ (હિ.સ.)- કેન્દ્રીય જળશક્તિ મંત્રી , ભારત સરકાર તથા નવસારી જિલ્લાના સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત નવસારીના સંયુક્ત આયોજન હેઠળ શહેરી વિકાસ વર્ષ–2025 ની ભવ્ય ઉજવણી ટાટા હોલ, દુધીયા તળાવ ખાતે યોજાઈ હતી. કાર્યક્રમમાં નિર્મળ ગુજરાત 2.0 અને જળ વ્યવસ્થાપન અંતર્ગત તેમજ “Catch the Rain” અભિયાન અંતર્ગત અનેક જનજાગૃતિ પ્રવૃત્તિઓ અંગેનો સરપંચશ્રીઓનો તાલીમ વર્કશોપ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી , જળશક્તિ મંત્રાલય, ભારત સરકાર તથા નવસારી જિલ્લાના સાંસદ સી.આર. પાટીલે પ્રાસંગિક ઉબ્દોધન કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લો દરેક કામ કે પહેલ ઉપાડવામાં અગ્ર હરોળમા રહ્યો છે. આદર્શ ગામ બનાવવાનુ હોય કે ધુમાળા રહિત જિલ્લો નવસારી હંમેશાથી પહેલા ક્રમે આવે છે. ત્યારે નવસારી મહાનગર પાલીકા આવતા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રહરોળમા આવે તેવા પ્રયત્નો કરીએ.
મંત્રીએ વધુમા ઉમેર્યું કે કોઇ પણ શહેરનો વિકાસ લોકભાગીદારી વગર શક્ય નથી. જેથી નવસારી જિલ્લો હંમેશા અગ્રહરોળમાં રહે તે માટે આપણે સૌ સંકલ્પબધ્ધ થઇએ. નવસારીમાં ખુબ જ સારી ગુણવત્તાયુક્ત કામગીરી થઇ છે અને આજ રોજ રૂપિયા 185 કરોડના વિવિધ ખાતમુહુર્ત કરેલ કામો થકી આવનારા વર્ષોમાં પણ ઉચ્ચ કક્ષાની કામગીરીનું આયોજન હાથ ધરાયું છે. જેથી આપણે ગર્વ કરી શકીએ તેવો જિલ્લો બનાવવામાં સરકાર અને વહિવટી તંત્રનો સાથ સહકાર આપીએ.
મંત્રી ઉમેર્યું કે, આપણા વિસ્તારમા પાણી સારૂ છે પરંતુ તેનુ સંચય પણ ખુબ જ જરૂરી છે. પાણી બચાવવાને આપણે સ્વભાવ બનાવવો જોઇએ તથા બાળકો, યોવાનોને પણ આ અંગે જાગૃત કરવું જોઇએ. આ નાની બાબત છે પણ તેની અસર આવનાર પેઢી માટે ખુબ મોટી સાબીત થશે.
તેમણે નવસારીમાં આ વર્ષે 08 હજાર જેટલા જળ સંચયના કામો થયા છે એમ જણાવી દરેક સરપંચને પોતાના ગામમા એક વિંધા માટે એક રેઇન વોટર હાર્વેસ્ટ પોજેક્ટ બનાવવા અપીલ કરી હતી. તેમણે સરપંચઓને પ્રરિત કરતા ઉમેર્યું હતું કે, દરેક સરપંચ પોતાના ગામના મુખ્યમંત્રી છે. એક મુખ્યમંત્રી જે રીતે રાજ્યનો વહિવટ સંભાળે તેવી જ રીતે દરેક સરપંચ પોતાના ગામની જવાબદારી ઉપાડી લે. તેમણે સરપંચઓને ગામમા કઇ-કઇ જરૂરીયાત છે અને કઇ-કઇ સુવિધા છે તેનો સર્વે કરવા અને તે પ્રમાણે યોગ્ય આયોજન કરી સરકાર અને જિલ્લા તંત્રને રજુ કરવા સુચના આપી હતી.
વધુમાં નવસારી જિલ્લાની વિશેષતાઓને આપણે અન્ય નાગરિકો સુધી પહોચાડીએ એમ અનુરોધ કર્યો હતો. મંત્રીએ નવસારી જિલ્લા તંત્રની કામગીરીની સરાહના કરી, ‘સંસ્કારી નગરી’ સહિત ‘સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી’ના સુત્રને સાકાર કરવા તંત્રનો સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીના વરદ હસ્તે UDY ઇવેન્ટ બુક લોન્ચ, નવસારી હેરિટેજ અને ટુરિઝમ પહેલનું લોન્ચિંગ, નવસારી ફ્લડ પ્લાન બુક લોન્ચ તથા 185 કરોડના વિવિધ કામોનું ખાતમુહુર્ત લોકાર્પણ તથા મહાનગરપાલિકાના વિવિધ સાધન સંસાધનોનું લોકાર્પણ કરાયું હતું.
કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ 2025 તથા જળ સંરક્ષણ પરિચય ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઇએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા શહેરીકરણ એક સ્વાભાવિક પ્રક્રિયા છે એમ જણાવી નવસારી શહેર વિકાસનુ ગ્રોથ એન્જિન બનવા ગુજરાત રાહ્યમા આગેવાની કરે તે માટે સક્રિય ભાગીદારી નોંધાવવા સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ આ પ્રસંગે ટકાઉ વિકાસના પાસાઓ અંગે સૌને જાગૃત કરી નવસારી જિલ્લામાં ધ્યાને લેવાની બાબતો, નવસારી મહાનગરપાલીકાની પ્રગતિ અને ટકાઉ વિકાસની દિશામા આયોજન માટે લેવાયેલા કામો અંગે પણ સૌને માહિતગાર કર્યા હતા.
નવસારી મહાનગરપાલિકા કમીશ્નર દેવ ચૌધરીએ સ્વાગત પ્રવચન થકી સૌને આજના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે આજરોજ મંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ થયેલા કામો અને ખાતમુહુત થયેલા કામો અંગે જાણકારી આપી હતી. વધુમાં તેમણે નવસારી મહાનગરપાલીકા સ્વચ્છતા સર્વેક્ષણમા 41માં ક્રમે આવતા સૌને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ઉમેર્યું હતું કે, કોઇ પણ શહેર શહેરીજ્નોના સહયોગ વગર સ્વચ્છ નથી થતું. તેમણે નગરજનોને સ્વચ્છતા જાળવવા બાતે જાગૃત થવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય આર.સી. પટેલ, નરેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક, વાંસદા પ્રયોજન વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય સહિત વિવિધ મહાનુભાવો અને જાગૃત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે