સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-સચીન ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્માણ પામેલા ‘સચિન જનસેવા કેન્દ્ર’નું લોકાર્પણ ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે કરાયું હતું. મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. મહાનુભવોના હસ્તે પાંચ લાભાર્થીઓને રહેઠાણ તથા આવકના દાખલા અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે, અગાઉ સચીન વિસ્તારના નાગરિકોને વિવિધ દાખલાકીય કામગીરી માટે 20 કિ.મી. દૂર જવું પડતું હતું, પરંતુ હવે નવું જનસેવા કેન્દ્ર કાર્યરત થતાં ઘરઆંગણે જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. સચીન, ઉન, પારડી-કણદે, કનસાડ, પાલી, ઉંબેર, તલંગપોર, કનકપુર, સોનારી અને ગભેણીના કુલ 11 ગામોના નાગરિકોને સીધી દસ્તાવેજી સેવા મળશે.
દેસાઇએ વધુમાં કહ્યું કે, સચીન વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારમાં સામેલ થયા બાદ નાગરિકોને તમામ કામ માટે ઉધના ઝોન ઓફિસ જવું પડતું હતું. આ સમસ્યાનું નિરાકરણ પણ થયું છે અને તમામ કામગીરી હવે સચીનમાં જ પૂર્ણ થશે.
તેમણે ઉમેર્યું કે, ચોર્યાસી વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોને મંજુરી મળી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અહીં 50 બેડની હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ થવાની છે. વિકાસ સાથે લોકોના આરોગ્યની ચિંતા પણ સરકાર કરે છે. નવું જનસેવા કેન્દ્રના કાર્યરત થવાથી ચોર્યાસી તાલુકાના નાગરિકોને પ્રમાણપત્રો મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને સુરત સુધી જવાનો સમય તથા ઊર્જા બંનેની બચત થશે.
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે, સુરત શહેર અવિરત વિકાસના માર્ગે પર આગળ વધી રહ્યું છે અને દેશના અન્ય શહેરો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. શહેરના નાગરિકોને અદ્યતન સુવિધાઓ મળી રહી છે. સુરત શહેરનો વિકાસ મોડેલ દેશના અનેક શહેરો માટે આદર્શરૂપ છે. માત્ર એક વર્ષની ટૂંકી અવધિમાં સુરત શહેરે કુલ છ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, જે સમગ્ર સુરત શહેર અને સુરતી નાગરિકો માટે ગૌરવની વાત છે. સરકાર અને મહાનગરપાલિકા દ્વારા મળેલા સહકારથી સુરતના વિકાસને વધુ ગતિ મળી છે અને આગામી સમયમાં પણ સુરત શહેર દેશના નકશા પર આગવી ઓળખ સાથે અગ્રેસર રહેશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, દેખાવમાં નાનું લાગતું આ જનસેવા કેન્દ્ર હકીકતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અગાઉ માત્ર એક દાખલો મેળવવા માટે પણ નાગરિકોને 20 કિ.મી. દૂર જવું પડતું હતું, જ્યારે હવે તે જ સુવિધા ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું કે,તમામ જરૂરી સેવાઓ હવે જનસેવા કેન્દ્ર મારફતે સરળતાથી પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર ગામે ગામ સુધી તમામ સુવિધાઓ સીધી નાગરિકોને પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર પણ જનસેવાના અભિગમ સાથે યોજનાકીય લાભો તમામ નાગરિકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે મનપાના લાઈટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ ચિરાગસિંહ સોલંકી, પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી, ઉધના મામલતદાર એલ.આર.ચૌધરી, કોર્પોરેટરો સહિત પદાધિકારી-અધિકારીઓ, સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે