સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-ગણપતિ ઉત્સવની સાથે ગણેશભક્તો રક્તદાન કરી જનસેવાની સુવાસ ફેલાવી રહ્યા છે. તહેવારોને આસ્થાના ભાવ અને આનંદ સાથે જ નહીં , પરંતુ સમાજને ઉપયોગી બને તેવી પ્રવૃત્તિઓ સાથે ઉજવવા જોઈએ એવી ભાવના સાથે સુરતની આઈટી કંપનીએ રક્તદાન શિબિર યોજી હતી. સુરતના પાલ અડાજણ વિસ્તારમાં 40 થી વધુ આઈટી પ્રોફેશનલ્સ ધરાવતી કંપની Zluck સોલ્યુશન્સ દ્વારા ગણપતિ ઉત્સવ નિમિત્તે સરદાર વલ્લભભાઈ બ્લડ સેન્ટર-સુરત ની ડૉક્ટર ટીમના સહયોગથી આયોજિત રક્તદાન શિબિરમાં તમામ કર્મચારીઓએ બ્લડ ડોનેટ કરી ૨૫થી વધુ બોટલ રક્ત એકત્રિત કર્યું હતું.
વિઘ્નહર્તા ગણેશજીની આરાધનાની સાથોસાથ રક્તદાન થકી લોહીની જરૂરીયાત ધરાવતા દર્દીઓને પણ મદદરૂપ થવાના ઉમદા આશયથી Zluck સોલ્યુશન્સના સી.ઈ.ઓ. મૌલિક વોરાના માર્ગદર્શન હેઠળ ‘ચાલો તહેવાર ઉજવીએ, સાથે જીવન પણ બચાવીએ’ની થીમ સાથે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રત્યેક કર્મચારીઓએ ઉત્સાહ અને આસ્થા સાથે રક્તદાન કર્યું હતું. દરેક રક્તદાતાઓને રક્તદાન પ્રમાણપત્ર અને ભેટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે