મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.): આજરોજ મહેસાણા શહેરના પંડિત દિનદયાલ હોલ ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DH, SDH, CHC, GMERS હોસ્પિટલોના સુપરિન્ટેન્ડન્ટ્સ તેમજ તાલુકા આરોગ્ય અધિકારીઓ (THO’s) ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમ્યાન આરોગ્ય વિભાગના ચાલુ કાર્યક્રમોની પ્રગતિ, તાજેતરના આરોગ્ય આંકડા, રસીકરણ, માતા-શિશુ આરોગ્ય, ક્ષયમુક્ત અભિયાન, એન.સી.ડી. સ્ક્રીનિંગ સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સશક્ત બનાવવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી. જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે સરકારના આરોગ્યલક્ષી કાર્યક્રમોનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે સતત મોનીટરીંગ અને આયોજન જરૂરી છે. GMERS અને જિલ્લા હોસ્પિટલોના સુપરિન્ટેન્ડન્ટ્સે હોસ્પિટલ વ્યવસ્થાપન અને સુવિધાઓ અંગે રજૂઆત કરી.
આ સમીક્ષા બેઠકથી આરોગ્ય સેવાઓને વધુ સુગમ, ઝડપી અને જનકેન્દ્રિત બનાવવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR