મોડાસા, 4 ઓગસ્ટ (હિ.સ.)
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નારી સ્વાવલંબન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મહિલાઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં માનનીય જિલ્લા કલેક્ટરશ્રીએ હાજર મહિલાઓ અને અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, “નારી સ્વાવલંબન દિવસ મહિલાઓની આંતરિક શક્તિ અને સ્વનિર્ભરતાનું પ્રતીક છે. ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમની પ્રતિભાને ઉજાગર કરવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.” તેમણે મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વ-રોજગાર અને ઉદ્યમશીલતા તરફ આગળ વધવા પ્રેરણા આપી.
માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોરે પોતાના સંબોધનમાં જણાવ્યું, “મહિલાઓ એ સમાજનું કરોડરજ્જુ છે. આજનો દિવસ એ ઉજવણી છે જે મહિલાઓની સ્વતંત્રતા અને સ્વાવલંબનની ભાવનાને મજબૂત કરે છે.” તેમણે ગ્રામીણ મહિલાઓને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને નાણાકીય સ્વતંત્રતા માટે પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ, DRDA (ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી) ડાયરેક્ટરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી, તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ સ્વ-રોજગાર યોજનાઓ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને મહિલા સશક્તિકરણની યોજનાઓ વિશે માહિતી મેળવી.
આ ઉજવણી દરમિયાન મહિલાઓ દ્વારા બનાવેલ હસ્તકલા ઉત્પાદનો, ખાદ્ય ચીજો અને અન્ય સ્વ-રોજગાર આધારિત ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજાયું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આવા કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અને મહિલા સશક્તિકરણના પ્રયાસોને ટેકો આપવા અપીલ કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ