મોડાસા, 6 ઓગસ્ટ (હિ.સ.) : આર્ટ્સ કોલેજ, શામળાજી ખાતે મહિલા સેલના ઉપક્રમે બેટી બચાઓ, બેટી પઢાઓ મહત્વપૂર્ણ સામાજિક સંદેશ ધરાવતા વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજની 13 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની સર્જનાત્મકતા તથા કલાત્મક અભિગમ દ્વારા બાળકન્યાઓના હિત માટે પ્રેરણાદાયી સંદેશ આપતો અભિનવ પ્રયાસ કર્યો હતો.
સ્પર્ધામાં ડૉ. સરવાણી પટેલ અને ડૉ. દીપિકાબેને નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહી, વિદ્યાર્થીઓના ચિત્રોનું મૂલ્યાંકન વિવિધ માપદંડો મુજબ કર્યું હતું. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ વિદ્યાર્થીનીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન માટે પસંદ કરવામાં આવી હતી. તેમને વિમેન સેલના ઇન્ચાર્જ ડૉ. વર્ષાબેન પટેલ દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ. એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા સેલના સભ્યો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ