પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને રાજ્ય શિક્ષણ વિભાગના સહયોગથી સમી ખાતે પીઆર પરમાર હાઈસ્કૂલમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયું હતું. આ યાત્રામાં સમી તાલુકાની વિવિધ શાળાઓ જેવી કે પ્રાથમિક કુમાર શાળા 1 અને 2, મોડલ સ્કૂલ, આઈ.યુ.બી કન્યા વિદ્યાલય, માધ્યમિક શાળા, સાયન્સ સ્કૂલ અને પીઆર પરમાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જોડાઈ સંસ્કૃતના ગૌરવ અને પ્રચાર-પ્રસાર માટે સંકલ્પ વ્યક્ત કર્યો.
કાર્યક્રમની શરૂઆત પીઆર પરમાર હાઈસ્કૂલના આચાર્ય ભાવસંગજી ઠાકોરના સ્વાગત અને મહેમાનોના પરિચય સાથે થઈ. આઈ.યુ.બી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત પ્રાર્થના રજૂ કરી. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગુરુ-શિષ્ય, ઋષિ, મીરાબાઈ, સરસ્વતી માતા, રામ-લક્ષ્મણ-સીતા જેવી પાત્રોની વેશભૂષા દ્વારા સંસ્કૃત સંસ્કૃતિના દર્શન કરાવ્યા.
મુબશશરા કાઝીએ સંસ્કૃતમાં પ્રતિજ્ઞા અને શિવ સ્તુતિ રજૂ કરી હતી, જ્યારે શાહિલકુમાર વીરતીયાએ સંસ્કૃત ભાષાના ઇતિહાસ વિષે વિચારો વ્યક્ત કર્યા હતા. મુખ્ય મહેમાન ગૌભક્ત લાભશંકર રાજગોરે વેદકાલીન ગુરુ-શિષ્ય પરંપરા તથા સંસ્કૃત ભાષાના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો. મામલતદાર પરમાર સાહેબે પણ સંસ્કૃતના યોગદાન વિષે માહિતી આપી.
કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત પ્રસ્થાન કરાવાયું. રેલી સમી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને મહેમાનો સંસ્કૃત સૂત્રો અને શ્લોકોના ઉચારણ સાથે જોડાયા હતા.
આ પ્રસંગે તાલુકા મામલતદાર અનિલભાઈ પરમાર, ADI વિપુલાબેન પટેલ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર, સમી તાલુકા સેવા સંઘના પ્રમુખ જયેશભાઈ દુદખિયા, તેમજ વિવિધ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢાએ અને આભારવિધિ વિપુલભાઈ પટેલે કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર