વલસાડમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ – 2025 અંગે જિલ્લા સમિતિની બેઠક યોજાઈ
વલસાડ, 4 ઓગસ્ટ (હિ.સ.)- સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર-પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ – 2025ના અનુસંધાનમાં તા.
Valsad


વલસાડ, 4 ઓગસ્ટ (હિ.સ.)- સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર-પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ – 2025ના અનુસંધાનમાં તા. ૨ ઓગસ્ટ 2025ના રોજ વલસાડ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષથાને જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા સમિતિની બેઠક માં તા. 6, 7 અને 8 ઓગસ્ટ 2025ના રોજ યોજાનારા વિવિધ કાર્યક્રમોની પૂર્વ તૈયારી, સુવ્યવસ્થિત આયોજન અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજે ટંડેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં નીચે મુજબના કાર્યક્રમો અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી હતી

તા. 6 ઓગસ્ટ 2025: “સંસ્કૃત ગૌરવ યાત્રા”નો શુભારંભ જિલ્લા કલેક્ટર કચેરીથી કરવામાં આવશે. “સંસ્કૃત ગૌરવ યાત્રા” માં 1000 થી વધુ વિદ્યાર્થી જોડાસે જેઓ સંસ્કૃત ગીતો,સુભાષિત અને ગંતવ્ય સાથે યાત્રા કરશે સાથે ટેબ્લો સાથે વેદ, ઉપનિષદો, પુરાણો, અરણ્યો, લગતું સાહિત્ય અને ઋષિઓની વેષભૂષા સાથે પ્રદર્ષિત કરશે.

તા. 7 ઓગસ્ટ 2025: “સંસ્કૃત સંભાષણ દિવસ” નિમિત્તે મુક્તાનંદ સંસ્કૃત પાઠશાળા, મગોદ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે. જિલ્લાના અધિકારી પદાધિકારી સંસ્કૃતમાં અભિવાદન કરી સંભાષણ કરશે. સંસ્કૃત સંભાષણ શા માટે તે બાબતે તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન થશે.

તા. ૮ ઓગસ્ટ ૨૦૨૫: “સંસ્કૃત સાહિત્ય દિવસ” નિમિત્તે જી.પી. શ્રોફ કોલેજ, વલસાડ ખાતે જિલ્લા કક્ષાનું પ્રદર્શન તથા શાળાકક્ષાની શ્લોક પાઠ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાઓ તેમજ સંસ્કૃત સાહિત્યના પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.

સદર બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અશોકકુમાર ડાંગી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવા તથા અન્ય સમિતિના સભ્યો હાજર રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande