સુરત, 4 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ જીવન વિકાસ ટ્રસ્ટના ગાર્ડનમાં અન્ય બાળકો સાથે રમતી માત્ર સાત વર્ષની માસુમ બાળકી પર એક 20 વર્ષના હવસખોર ઈસમે દાનત બગાડી હતી અને અહીં છુપાઈ જા તેમ કહીને બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેથી બાળકી એ સઘળી હકીકત તેની માતાને જણાવતા તેની માતા સમાજના અન્ય પુરુષો સાથે ગાર્ડનમાં પહોંચી ગઈ હતી અને યુવકને ઝડપી પાડ્યો હતો. તેઓએ યુવકને મેથીપાક આપી અડાજણ પોલીસને હવાલે કરતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અડાજણ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે એક સમાજનો પ્રોગ્રામ ચાલતો હતો. જેથી પ્રોગ્રામમાં આવેલા ઘણા બધા બાળકો સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ જીવન વિકાસ ટ્રસ્ટના ગાર્ડનમાં રમવા માટે ગયા હતા. સાંજે 07:00 થી 7:30 વાગ્યાના સમયગાળા દરમિયાન માસુમ બાળકો ગાર્ડનમાં રમતા હતા ત્યારે અડાજણ ગામ ચાર રસ્તા પાસે આવેલ શ્રમજીવી કોલોનીમાં રહેતો 20 વર્ષ જીગ્નેશ જેન્તીભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં જઈ ચઢ્યો હતો અને ગાર્ડનમાં રમતી માત્ર સાત વર્ષની માસુમ બાળકી પર દાનત બગાડી હતી. બાળકો સંતાકુકડી રમતા હતા ત્યારે જીગ્નેશ રાઠોડ એ સાત વર્ષન માસુમ બાળકી પાસે જઈ તું અહીંયા છુપાઈ જા તને અહીંયા કોઈ શોધી નહીં શકે તેમ કહીને માસુમ દીકરીને ઝાડ પાછળ અંધારામાં લઇ જઈ શારીરિક અડપલા કર્યા હતા. જેથી માસુમ બાળકી ત્યાંથી નીકળી ગઈ હતી અને સમાજના પ્રોગ્રામમાં હાજર મમ્મી પાસે પહોંચી જઈ સઘળી હકીકત જણાવી હતી. જેથી તેની માતાએ સમાજના અન્ય પુરુષો સાથે ભેગા મળી દીકરી સાથે ગાર્ડનમાં પહોંચી ગઈ હતી અને માસુમ બાળકીએ જીગ્નેશ ને બતાવતાની સાથે જ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. લોકોએ તેને મેથીપાક ચખાડી અડાજણ પોલીસને ફોન કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી ગઈ હતી અને જીગ્નેશ રાઠોડ ને ઝડપી પાડ્યો હતો. બનાવને પગલે ભોગ બનનાર માસુમ બાળકીની માતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુડ ટચ બેડ ટચથી માહિતગાર હોવાના કારણે બાળકીએ તાત્કાલિક માતાને સઘળી હકીકત જણાવી
સુરત શહેરમાં અલગ અલગ એનજીઓ દ્વારા અને સંસ્થાઓ દ્વારા ખાનગી શાળાઓ તથા સરકારી શાળાઓમાં ગુડ ટચ બેડ ટચ વિશે માસુમ બાળકીઓને સમજણ શક્તિ આપવામાં આવતી હોય છે. જેના કારણે ઘણી વાર માસુમ બાળકીઓને સારા અને ખરાબની સમજણ પડતી હોય છે. ગતરોજ જીગ્નેશ રાઠોડ નામના યુવકે સાત વર્ષની માસુમ બાળકીને શરીરના પાછળના ભાગ પર શારીરિક અડપલા કર્યા હતા. જોકે આ માસુમ બાળકીને શાળામાં એક એનજીઓ દ્વારા યોજાયેલા કાર્યક્રમ મારફતે ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી હોવાને કારણે માસુમ બાળકીને આ બેડ ટચ હોવાની જાણ થઈ હતી. જેથી માસુમ બાળકી તાત્કાલિક ગાર્ડનમાંથી ત્યાંથી નીકળી જઈ તેની માતા પાસે પહોંચી ગઈ હતી અને જીગ્નેશ રાઠોડની કરતુત વિશે જણાવતા માતા બાળકીને લઇ સમાજના અન્ય પુરુષો સાથે તાત્કાલિક ગાર્ડનમાં પહોંચી ગઈ હતી અને યુવકને ઝડપી પાડ્યો હતો.
સરકારે ગુડ ટચ બેડ ટચને મુખ્ય જાગૃતિના ભાગ સ્વરૂપે લેવું જોઈએ : કાજલ ત્રિવેદી કુંડલીયા
આ સમગ્ર ઘટના મામલે તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાજલબેન ત્રિવેદી કુંડલીયાએ જણાવ્યું હતું કે જે સ્કૂલમાં કાર્યક્રમ કર્યો તેના માટે સ્કૂલના ટ્રસ્ટીઓને અભિનંદન. માસુમ બાળકી સાથે જે ઘટના બની તે દુઃખદ છે પરંતુ ગુડ ટચ બેડ ટચ માહિતીથી તે જાગૃત હોવાના કારણે હવસખોરની નિયત પારખી ગઈ અને સમય સુચકતા વાપરી ત્યાંથી નીકળી ગઈ એટલે તે હવસખોરનો વધુ શિકાર બનતા બચી ગઈ. દરેક ખાનગી અને સરકારી શાળાઓમાં આવા કાર્યક્રમો વર્ષમાં બે વાર અચૂક થવા જોઈએ. માત્ર બાળકીઓ અને કિશોરીઓ માટે જ નહીં પરંતુ કિશોરો માટે પણ આવા જાગૃતિના પગલાં લેવા જોઈએ. મારુ માનવું છે કે આવા કાર્યક્રમો દ્વારા ગુના રોકવાના પ્રયાસો વધુ કરવા જોઈએ. જેથી ગુનાઓ બનતા અટકે. સાવચેતી અને સજાગતા મહદંશે ગુનાઓ અટકાવવાનું નિવારણ છે. સરકારે ગુડ ટચ બેડ ટચને મુખ્ય જાગૃતિના ભાગ સ્વરૂપે લેવું જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે