ગાંધીનગર, 4 ઓગસ્ટ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી.
ભરૂચ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીએ સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો.
તેમણે ભગવાન ભોળાનાથ પાસે સૌના કલ્યાણ અને રાષ્ટ્ર-રાજ્યની અવિરત પ્રગતિની પ્રાર્થના કરીને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં જોડાયા હતા.
ભરૂચના જંબુસર તાલુકાના કંબોઈ ગામ નજીક મહી નદી સમુદ્રને મળે છે તે સ્થળે નદી અને સમુદ્રના સંગમ નજીક આ પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ સ્થિત છે. મંદિરના શિવલિંગ પર દિવસમાં બે વાર દરિયાના ભરતીના પાણીનો આપમેળે અભિષેક થાય છે.
આ તીર્થક્ષેત્રના દર્શન માટે આવતા યાંત્રિકોની સગવડ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી પર્પસ હોલ, પેવર બ્લોક્સ તથા યાત્રિકોને બેસવા માટે બેન્ચીસ વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે.
મુખ્યમંત્રી સાથે આ આ મૂલાકાત વેળાએ ધારાસભ્ય ડી.કે. સ્વામી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી અને પદાધિકારીઓ તથા સ્તંભેશ્વર મહાદેવના મહંત વિદ્યાનંદજી મહારાજ અને સંતો પણ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ