ભુજ - કચ્છ, 4 ઓગસ્ટ (હિ.સ.) અંજારના રિવેરા રિસોર્ટથી વેલસ્પન કપની સુધીના બાયપાસને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ એવા પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના પૂર્વ ધારાસભ્ય વાસણભાઈ આહીરે લીલીઝંડી આપીને વિધિવત ખુલ્લો મુક્યો છે. આ બાયપાસ રસ્તાના લીધે અંજારથી સતાપર રોડ તથા ફાટક પર તથા ટ્રાફિકથી રાહત મળશે.
ભારે વાહન વ્યવહારમાં સરળતા થશે
અંજાર આસપાસ ઉદ્યોગો અને મુન્દ્રાને જોડતા ધોરીમાર્ગોના લીધે અંજારની આસપાસની ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની ગઈ હોવાની ફરિયાદો ઘટતી નથી. પરંતુ તાજેતરમાં તૈયાર થયેલો અંજાર સતાપર બાયપાસ તેમાં રાહતરૂપ બની શકશે. પૂર્વ રાજ્યમંત્રી અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ વાસણભાઈ આહીરના હસ્તે આ રસ્તો ખુલ્લો મુકાયો છે. ભારે વાહનવ્યવહારમાં સરળતા ઉભી થઇ શકશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
જિલ્લા ટ્રક સંગઠનના હોદ્દેદારોની હાજરી
આ પ્રસંગે કચ્છ જિલ્લા ટ્રક ઓનર એસોસિયેશન ના પ્રમુખ નવઘણભાઈ આહીર, શામજીભાઈ આશા, મહાદેવ ભાઈ પૂર્વ સરપંચ સાપેડા, વાલજી દેવા છાંગા, ત્રિકમ જીવા માતા, ભીમજી આહીર, ભચું બિજલ, રૂડા અરજણ, વાલજી ભીખા, વેલા સીતારામ, નિલેશ આહીર, તથા હાઈવે ઓથોરિટી અધિકારીઓ હાજર રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA