પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.): સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.21/08/2023 ના પરિપત્રથી શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા 2023 જાહેર કરવામાં આવી છે જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ, રસ્તા ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર રખડતા ઢોર કોઇ સંજોગોમાં જોવા ન મળે તે અંગે નગરપાલિકા અધિનિયમની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરવાની થાય છે, જેથી શહેરમાં જાહેર રોડ, રસ્તા, ફૂટપાથની સાઇડ તથા જાહેર સ્થળો ઉપર જોહેરમાં ઘાસચારાનું વેચાણ ન કરે તે માટે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી (આઇ.એ.એસ) દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામુ ગુજરાત પોલીસ અધિનિયમ- 1051 ની કલમ-33(1)(બી) અને (સી) અન્વયે પોરબંદર જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ, ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યકિત દ્વારા ઘાસચારાનું વેંચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું પોરબંદર જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે અને આ જાહેરનામાનો કોઇ પણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.01/08/2025 થી તા.29/09/2025 સુધી અમલમાં રહેશે. અને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya