પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં નરસંગ ટેકરીથી ઉદ્યોગનગર તરફ આવતા રેલવે ફાટકને તંત્રે કોઈ પણ નોટિસ આપ્યા વગર રાતોરાત બંધ કરી દીધું છે જેથી લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ફાટક ખોલાવવા આંદોલન થઈ રહ્યા છે. બે દિવસ પૂર્વે પોરબંદરની મહિલાઓએ રેલવે ફાટક પાસે આંદોલન કર્યું હતું તેમજ રેલવેને પણ આ બાબતે સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ તા. 4 ઓગષ્ટના રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મારુ, રાજવીર બાપોદરા સહિતના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા કોંગ્રેસના કાર્યકર્તાઓ જયારે મેદાને ઉતાર્યા હતા ત્યારે ઉદ્યોગનગર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે તંત્રએ કોઈ પણ નોટિસ વિના ફાટકને એકાએક બંધ કરી દીધું હતું જેથી સ્થાનિકોને ખાસી એવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરી જી.આઈ.ડી.સી. તરફ જતા લોકો અને એ તરફથી આવતા વિદ્યાર્થીઓ, મહિલાઓને વૈકલ્પિક રસ્તે ફરીને જવું પડે છે. જેથી અવર-જવરમાં વધુ સમય લાગે છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી ટકે ફાટક ખોલવામાં આવે તે માટે આંદોલન કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya