જામનગર, 4 ઓગસ્ટ (હિ.સ.): છોટીકાશીના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલયોની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના આજે દ્વિતીય સોમવારે પણ શિવભક્તિના મહિમા અપરંપાર જોવા મળી રહ્યો છે અને પ્રત્યેક શિવાલયોમાં જય ભોળાનાથ ના નાદ સાથે ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા, જેઓ ના મુખેથી ’હર હર મહાદેવ’નો નાદ ગૂંજયો હતો. જામનગર શહેરમાં આજે શ્રાવણ માસ ના દ્વિતીય સોમવારે પણ વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.
જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો એ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્ર ને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT