પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.) : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી (જિલ્લો પાટણ) ખાતે 4 ઓગસ્ટ, 2025ના રોજ સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ કોમ્પિટીશનનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓની રચનાત્મકતા અને જ્ઞાનપ્રદ સ્પર્ધાત્મકતાને વધારવાનો રહ્યો.
ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ “કળા અને સાંસ્કૃતિક વારસો”, “ગ્રામીણ અને શહેરી ભારત”, “આતંકવાદ – એક વૈશ્વિક સમસ્યા” અને “નારી સશક્તિકરણ” જેવા વિષયોને આધારે પોતાની કળા રજૂ કરી. સ્પર્ધામાં કુલ 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમેસ્ટર 3માંથી વરદા એ. સૈયદે પ્રથમ સ્થાન, સેમેસ્ટર 5માંથી સુરેખા કે. અમિને દ્વિતીય અને સાયબા યુ. શેખે તૃતીય સ્થાન મેળવ્યું. સ્પર્ધાના કનવિનર પ્રોફે. વિજય જોષી અને દિપીકાબેન પ્રજાપતિએ નિર્ણાયક તરીકે સેવા આપી. પ્રોફે. સંજય પટેલે સહ-કનવિનર તરીકે માર્ગદર્શન આપ્યું.
ચિત્ર સ્પર્ધા બાદ સેમિનાર હોલમાં ક્વિઝ કોમ્પિટીશનનું આયોજન થયું. ઇતિહાસના પ્રાધ્યાપક અને કનવિનર પ્રોફે. જેવત ચૌધરી તથા ડૉ. ચેતન પ્રજાપતિએ ક્વિઝ માસ્ટર તરીકે સ્પર્ધાનું સંચાલન કર્યું, જ્યારે ડૉ. અમર ચક્રબર્તી અને ડૉ. આરતી પ્રજાપતિએ સ્કોરર તરીકે જવાબદારી સંભાળી. ટીમ સાબરમતી, રેવા અને બનાસ વચ્ચે સ્પર્ધા યોજાઈ અને અંતે ઝાલા રાજલબા, વાઘેલા રક્ષાબા અને શેખ સાયબા સાથેની ટીમ સાબરમતી વિજેતા રહી.
કાર્યક્રમનું સંચાલન કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ થયું, જેમણે પોતાના ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. અંતે, સમાજશાસ્ત્ર વિષયના મુલાકાતી વ્યાખ્યાતા રીમતાબેન ચૌધરી દ્વારા આભારવિધિ યોજાઈ અને સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળ રીતે પૂર્ણ થયો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર