પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.)અઘાર-વામૈયા રોડ પર ઈકો કાર અને બ્રેઝા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ઘટનામાં બંને કારમાં મળીને કુલ છ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ઘાયલ તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે એક્ટિવા ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે પોતાનો કાબૂ ગુમાવી બેઠો. કાર અચાનક સામે આવતી બ્રેઝા સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી ગંભીર હતી કે બંને વાહનોને મોટું નુકસાન થયું છે.
અકસ્માતના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિગતવાર તપાસ શરૂ કરી છે. હાલ અકસ્માતના ચોક્કસ કારણો અને ઘાયલોની સ્થિતિ વિશે વધુ માહિતી બહાર આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર