પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.)પાટણની સોની બજારમાં આવેલી મા ગૌરી જ્વેલર્સમાંથી બે અજાણ્યા શખ્સોએ 3.24 લાખ રૂપિયાની કિંમતની સોનાની વીંટીઓ ચોરી કરી હતી. આ ઘટના સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બની હતી. ફરિયાદી નિલેષકુમાર મનોરભાઈ પટેલ (ઉમ્ર 46, ધંધો સોનીકામ, રહે. શારદા ટોકીઝ પાસે, દ્વારકાધીશનો માઢ)એ પાટણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, નિલેષકુમાર અને તેમની પત્ની દુકાનમાં હાજર હતા ત્યારે એક અજાણ્યો શખ્સ પેન્ડલ અને કડી જોવા આવ્યો હતો. પેન્ડલ પસંદ ન આવતાં, નિલેષકુમાર બાજુની દુકાનમાં પેન્ડલ લેવા ગયા હતા અને તેમની પત્ની દુકાનમાં બેસેલી હતી. આ સમયે બીજો અજાણ્યો શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો.
આ શખ્સે નિલેષકુમારની પત્નીની નજર ચૂકવીને સોનાના દાગીનાના ડબ્બામાંથી 18થી 20 લેડીઝ વીંટીઓ ભરેલી પ્લાસ્ટિકની કોથળી ચોરી કરી હતી. આ વીંટીઓનું કુલ વજન આશરે 45 ગ્રામ હતું. બંને શખ્સો ચોરી કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. પોલીસે સીસીટીવી અને અન્ય આધારોના આધારે આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર