પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના રોજગાર શોધતી મહિલાઓ માટે સારા સમાચાર છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મહિલા અને બાળ અધિકારી કચેરી, પાટણ દ્વારા 5 ઓગસ્ટ, 2025ના મંગળવારે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના રંગભવન હોલ ખાતે સવારે 9:00 કલાકે શરૂ થશે.
આ ભરતી મેળામાં ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતી 18થી 45 વર્ષની મહિલાઓ ભાગ લઈ શકશે. દિવ્યમ એન્ટરપ્રાઈઝ (પાટણ), શારદા સન્સ (પાટણ) અને જીઓ.ફેશ ઓગેનીક (સિદ્ધપુર) જેવા ખાનગી નોકરીદાતાઓ વિવિધ જગ્યાઓ માટે પસંદગી કરશે, જેમાં પ્રોડક્ટ મેનેજર, પેકિંગ, ટેલીકોલિંગ અને પ્રોડક્શન ક્વોલિટી ચેકના હોદ્દા શામેલ છે.
ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે અને તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો, બે ફોટોગ્રાફ તથા 3–4 નકલ બાયોડેટા સાથે ઉપસ્થિત થવું પડશે. જો કોઈએ રોજગાર કચેરીમાં નામ નોંધાવ્યું ન હોય તો પણ તે મહિલાઓ આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે. વધુ માહિતી માટે https://www.anubandham.gujarat.gov.in વેબસાઇટ પર સંપર્ક કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર