પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં એક ગંભીર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરની સગીર યુવતી સાથે શારીરિક શોષણ થયાનું સામે આવ્યું છે. આરોપી સાગર વસરામભાઈ ભરવાડે 2024ના નવેમ્બરથી 17 જુલાઈ 2025 વચ્ચે પોતાની ગાડીમાં સગીર સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દુષ્કર્મના પરિણામે સગીર યુવતી ગર્ભવતી બની છે.
આ આરોપી મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ઝાંઝરવા ગામનો રહીશ છે અને હાલમાં પાટણ જિલ્લાના કતપુર ગામમાં રહે છે. આ સમગ્ર ઘટનાની ફરિયાદ પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 64(2)(એમ), 65(1) અને પોક્સો એક્ટની કલમ 4, 5(એલ), 5(જે)(2), 6 મુજબ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર