કચ્છમાં સૌથી વધુ વરસાદ, પણ જળાશાયોમાં જળસંગ્રહ માટે વધુ વરસાદ જોઈશે
ભુજ - કચ્છ, 4 ઓગસ્ટ (હિ.સ.) જુલાઈ માસમાં ચોમાસાના આરંભે જ કચ્છ જિલ્લાને ગુજરાતનો ચેરાપુંજી વિસ્તાર બનાવી આપનારા વરસાદે જુલાઈ અંતથી વિરામ રાખ્યો હોય એમ સ્થિતિ ઉભી થઇ છે. હવે વરસાદ આવે તો કૃષિને ફાયદો થઇ શકે અને જળાશાયોમાં આગામી ચોમાસા સુધીનો જળ સંગ્રહ
સિંચાઈના ડેમોમાં જળ સંગ્રહ ઓછો


ભુજ - કચ્છ, 4 ઓગસ્ટ (હિ.સ.) જુલાઈ માસમાં ચોમાસાના આરંભે જ કચ્છ જિલ્લાને ગુજરાતનો ચેરાપુંજી વિસ્તાર બનાવી આપનારા વરસાદે જુલાઈ અંતથી વિરામ રાખ્યો હોય એમ સ્થિતિ ઉભી થઇ છે. હવે વરસાદ આવે તો કૃષિને ફાયદો થઇ શકે અને જળાશાયોમાં આગામી ચોમાસા સુધીનો જળ સંગ્રહ શક્ય બને. ગુજરાતનો સૌથી વધુ 64 ટકા વરસાદ કચ્છમાં થયો છે પણ તમામ ડેમ ભરાયા નથી. હજુ સમયસર બીજા રાઉન્ડની આવશ્યકતા છે.

10 ડેમ માંડ અડધા ભરાયેલા-

ખાસ તો, કચ્છના મધ્યમ સિંચાઈના ડેમોમાં જળસંગ્રહની સ્થિતિ થોડી ચિંતાજનક બનતી જોવા મળી રહી છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર રાજ્યના ડેમોમાં સાથી ઓછો જળસંગ્રહ કચ્છના ડેમોમાં થયો છે.મધ્યમ સિંચાઈના 20 પૈકીના 10 ડેમ એવા છે કે, જેમાં 50ટકાથી ઓછો જથ્થો સંગ્રહિત છે.

કચ્છમાં સૌથી ઓછો જળસંગ્રહ-

જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમમાં 325.26 મિલીયન ક્યૂબિક મિટરની કુલ જળસંગ્રહ ક્ષમતા સામે હાલ 179.21 મિલીગન ક્યૂબિક મિટર જળનો જથ્થો ઉપલબ્ધ છે. તેમાંથી 151.85 મિલીયન ક્યૂબિક મિટર જથ્થો છે. જે કુલ જળસંગ્રહ ક્ષમતાના 55 ટકા થવા જાય છે. રાજ્યના ચાર ઝોનમાં કચ્છમાં સૌથી ઓછો જળનો જથ્થો સંગ્રહિત થયેલો છે. અત્યાર સુધી સારા વરસાદના કારણે 20 પૈકીના છ ડેમ પૂર્ણ ભરાયેલા છે. પૂર્ણ ભરાયેલા ડેમોમાં ડોણ, નિરોણા, કંકાવટી, કાલિયા, કારાઘોઘા, બેરાચિયાનો સમાવેશ થાય છે. મથલ, મીઠી, ગજણસર, એવા ડેમ છે કે, જેમાં 80 ટકાથી વધુ જળરાશી ભરાઈ છે.

ચાર ડેમમાં 30 ટકાથી ઓછું પાણી-

મધ્યમ સિંચાઈના ચાર ડેમ એવા છે કે, જેમાં 30 ટકાથી ઓછું પાણી બચ્યું છે. આ ડેમમાં જળસંગ્રહની સ્થિતિ થોડી ચિંતા જગાવનારી છે. આ ચાર ડેમમાં રૂદ્રમાતા, સાન્ધ્રો, નાર અને કાસવતીનો સમાવેશ થાય છે, તો ગોધાતડ, ભૂખી, જંગડિયા, ફતેહગઢ, ગજોડ અને સુવઈ એવા ડેમ છે કે, જેમાં 50 ટકાથી ઓછો જથ્થો છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande