મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 65મી વાર્ષિક સામાન્ય સભા 4 ઑગસ્ટે દુધસાગર ડેરી ખાતે યોજાઈ હતી. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું કે પશુપાલકોના હિતમાં સંઘ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. હાલમાં ડેરીના એકંદર વાર્ષિક ટર્નઓવર ₹8,054 કરોડ થયો છે અને પશુપાલકોને આ વર્ષે કુલ ₹437 કરોડનો ભાવવધારો આપવામાં આવશે. અગાઉના વર્ષોમાં આ ભાવવધારો ક્રમશઃ ₹121 કરોડ, ₹375 કરોડ અને ₹402 કરોડ રહ્યો હતો.
આ વખતની સભામાં પશુપાલકો માટે વધુ એક રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અકસ્માત વીમાની રકમ હવે ₹2 લાખમાંથી વધારી ₹4 લાખ કરવામાં આવી છે. આ સાથે શેરહોલ્ડરો માટે 10% ડિવિડેન્ડ પણ મંજૂર કરવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન અશોકભાઈએ જણાવ્યું કે ઘાસચારો ટ્રોલી, ચાફ કટર, મિલ્કિંગ મશીન જેવી જરૂરી સજજાઓ પર આપવામાં આવતી 30% સબસિડી હવે વધારીને 40% કરવામાં આવશે. દૂધ, દહીં, છાશ જેવા ઉત્પાદનોના વેચાણમાં પણ ડેરીએ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. આ તમામ નિર્ણયો ડેરી સાથે જોડાયેલા હજારો પશુપાલકો માટે ખુશીના સમાચાર બની રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR