મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના રંગોળી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તારીખ 03/08/2025ના રોજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. વિવિધ સાહિત્ય, સંગીત અને દૃશ્યકલાકૃતિઓની સ્પર્ધાઓ વચ્ચે એક તેજસ્વી વિધાર્થીએ પોતાની પ્રતિભાથી સૌનું મન જીતી લીધું. ધોરણ 9માં અભ્યાસ કરતા વિધાર્થી હિંમત ભાલાભાઈ રાઠોડ, જે મૂળ બનાસકાંઠાના વતની છે અને હાલ મહેસાણામાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યા છે, તેમણે સાહિત્ય વિભાગની નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે પોતાની ઊંડી સમજ, સ્પષ્ટ અભિવ્યક્તિ અને વિચારશીલતા દ્વારા સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જે શાળા માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી.
આ સફળતા પાછળ તેમના પરિશ્રમ ઉપરાંત માર્ગદર્શક શિક્ષિકા પાયલબેન પરમારનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. શાળા તરફથી વિધાર્થીને પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા, તેમજ શિક્ષકમંડળ અને મેનેજમેન્ટ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શાળાના તમામ વિધાર્થીઓ માટે હિંમત રાઠોડ એક પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. શાળાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હિંમત આગળના સમયમાં પણ અનેક ક્ષેત્રે શાળાનું તથા પોતાના જિલ્લાનું નામ રોશન કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR