જામનગર, 4 ઓગસ્ટ (હિ.સ.): જામનગરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે માટે મહાનગરપાલિકા દ્વારા સતત ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત જો મહાનગરપાલિકાનું લાઇસન્સ મેળવ્યું ન હોય તો માલધારીના ઘરેથી પણ ઢોરને પકડવામાં આવે છે. આવી કામગીરી અંતર્ગત શનિવારે સાંજે મહાનગરપાલિકા ની ટીમ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાની ટિમ માલધારીઓના નિવાસ્થાને ઢોર પકડવા માટે પહોંચી હતી. દરમિયાન ઢોર લઈ જવા બાબતે સ્થાનિકો સાથે માથાકૂટ થઈ હતી જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
જામનગરમાં મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને માલધારીઓએ પોતાના માલઢોરને રાખવા માટે મહાનગરપાલિકા પાસેથી લાયસન્સ મેળવવું ફરજિયાત બનાવ્યું છે અને જો લાયસન્સ ન હોય તો આવા ઢોરને શહેરની બહારના વિસ્તારમાં લઈ જવા સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને તેની ટીમ દ્વારા પંચેશ્વર ટાવર પાસે માલધારીના ઘરે થી બે ત્રણ ગાય ને પકડી પાડવામાં આવી હતી અને ઢોરના ડબામાં મોકલી આપવામાં આવી હતી. તેમજ માલધારીઓને સૂચના આપવામાં આવી હતી કે મહાનગરપાલિકા પાસેથી લાઇસન્સ મેળવી લેવું, અન્યથા ઢોરને લઈને શહેરની બહારના વિસ્તારમાં ચાલ્યા જવું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT