સુરત, 4 ઓગસ્ટ (હિ.સ.)- શહેરમાં મોબાઈલ ચોરી અને સ્નેચીંગની ઘટનાઓ યથાવત છે, ત્યારે સારોલી પોલીસે મળેલી બાતમીને આધારે સીમાડા ચેક પોસ્ટ પાસેથી બે રીઢા આરોપીઓને ઝડપી પાડયા હતા. તેમજ આરોપીઓ પાસેથી અલગ અલગ કમ્પનીના 10 મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. આ તમામ મોબાઈલ ચોરીના હોવાનુ ખુલ્યું હતું.અને આરોપીઓ વેચવા માટે નીકળ્યા હતા.ત્યારે પોલીસે બન્ને દબોચી લીધા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં મોબાઈલ સ્નેચીંગ તથા વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપી હતી. જેથી સારોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એવી બાતમી મળી હતી કે બે ઇસમો ચોરીના મોબાઇલ ફોન વેચવા માટે થોડી વારમાં સીમાડા ચેક પોસ્ટથી ચાલતા ચાલતા પસાર થવાના છે. આ બાતમીને આધારે પોલીસે સીમાડા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. અને બે આરોપીઓ રાહુલ ઉર્ફે દથરથ ઉર્ફે ઘોડા ઉર્ફે વડા ભિકન મહાલે ( રહે- શીવાજીનગર, મદનપુરા પાસે લીંબાયત ) તથા ઇરફાન ઉર્ફે નાલા યુનુસ શેખ (રહે- બાપુનગર ઝુપડપટ્ટી શીતલ ચાર રસ્તા પાસે રાંદેર ) નાઓને ઝડપી પાડયા હતા. અને આરોપીઓના કબજમાંથી અલગ અલગ કંપનીના રૂ.80 હજારની કિંમતના 10 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે