ભુજ - કચ્છ, 4 ઓગસ્ટ (હિ.સ.): ભુજના સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં “જ્ઞાન જ્યોતિ યોજના” હેઠળ શૈક્ષણિક અભિયાન હાથ ધરાયું છે. જેમાં 150 પેરા ટીચરની નિમણુંક કરીને અટકતું શિક્ષણ આગળ વધારવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો છે. સંઘના વર્તમાન યુવા અધ્યક્ષ જીગરભાઈ તેમના અનશનવ્રતધારી સ્વર્ગીય પિતા તારાચંદભાઈ છેડાના પગલે આગળ વધી રહ્યા છે અને શિક્ષણમાં સ્થાનિક રોજગારીનો આયામ અમલી બનાવ્યો છે.
હંગામી ભરતીમાં શિક્ષકોને અપાશે પગાર
આ અંગે વધુ વિગતો આપતા સંસ્થાના પ્રમુખ જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું કે, સંસ્થાના મુખ્ય સૂત્રધાર અને તેમના દિવંગત પિતા તારાચંદભાઈએ મહાજન પરંપરાને જીવંત રાખી સરકાર અને વહીવટી તંત્ર સાથે મળી હંમેશા લોક ઉપયોગી કાર્યો કર્યા હતા. હાલમાં જ્યારે સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે વચ્ચેના આ સમયગાળામાં સરકાર અને તંત્ર સાથે સહભાગી બની મુન્દ્રા તાલુકામાં પેરા ટીચર્સની નિયુક્તિ સંસ્થાના ખર્ચે કરવાનો નિર્ણય કરાયો છે.
“જ્ઞાન જ્યોતિ યોજનામાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા,
સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાશે એવું કહેતા જીગરભાઈએ ઉમેર્યું હતું કે, આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે. વિગતવાર માહિતી આપતા સંસ્થાના મંત્રી મુકેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, “જ્ઞાન જ્યોતિ યોજના” પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે હાલ પ્રથમ સત્ર સુધી જ 150 શિક્ષકોની નિયુક્તિ કરાશે. તદ્દન હંગામી ધોરણે જ કરાર આધારિત આ નિયુક્તિ હશે પેરા ટીચરને માસિક ૯ હજાર નું માનદ વેતન અપાશે. ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત સરકારી ધારાધોરણ મુજબ હશે એમને નિયુક્તિમાં અગ્રતા અપાશે જો આવા ઉમેદવાર નહીં મળે તો ગ્રેજ્યુએટ ઉમેદવારની પસંદગી કરાશે. નિયુક્તિ અને ફરજ બાબતે અંતિમ નિર્ણય સંસ્થાનો રહેશે.
ગામના જ યુવકો યુવતીઓને આગળ આવવા આહવાન
આ બાબતે મુળજીભાઇ મીંઢાણી અને ભાવેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું કે કચ્છ ની શાળાઓમાં શિક્ષકોની ધટ છે જેના કારણે શિક્ષણ કાર્ય ઉપર ગંભીર અસર પડી રહી છે ત્યારે શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય ખોરવાય નહિ અને વિધાર્થીઓના ભવિષ્ય ઉપર કોઈ અસર ન પડે તે માટે વિધાર્થીઓ ના હિતમાં સર્વ સેવા સંધ (કચ્છ)ભુજ ના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડા ના માર્ગદર્શન હેઠળ આ યોજના હેઠળ ગામના જ શિક્ષિત યુવાનો અને યુવતીઓ આગળ આવી આ યોજના હેઠળ ગામના વિધાર્થીઓને શિક્ષણ આપી શિક્ષિત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA