મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં પાણીની સપાટી વધતાં અને કેનાલ ભરાઈ જતાં હવે તંત્ર દ્વારા જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી છોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડેમમાંથી છૂટતું પાણી નદીઓમાં પ્રવેશી શકે છે, ખાસ કરીને બલસિણા તાલુકામાંથી પસાર થતી રૂપેણ અને પુષ્પાવતી નદીઓમાં પણ પાણીનો પ્રવાહ વધી શકે છે. તંત્રએ શક્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે સતર્કતા જાળવવાની તાકીદ કરી છે.
નર્મદા વિભાગે પાણી છોડવાની પ્રક્રિયા પૂર્વે નદીકાંઠાના 15 ગામોના રહીશોને નદીના પટમાંથી દૂર રહેવા અનુરોધ કર્યો છે. આ ગામના લોકોના જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે પ્રાથમિક એલર્ટ બહાર પાડવામાં આવ્યો છે. બલસિણા તાલુકા પંચાયતમાં આવતા નદીકાંઠાના ગામો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ ગામોની ગ્રામ પંચાયતોને તંત્ર દ્વારા આગાહી કરાઈ છે કે તેઓ તાત્કાલિક ગામ લોકોને જાણ કરી દેવા અને જરૂરી તૈયારી રાખે. એલર્ટ હેઠળ આવનારા ગામોમાં સાપાવાળા, દેવલવાડા, ગામુ-મહાદેવપુરા, જેતપુર, રાણેલા, માતરસણ, મોટપ, ડોડીવાડા, મોટેરા, કનોડા-કકાસણા, આદિવાડા, છાસણા, અંદેળા, ડોડીવાડા અને સુજાણપુરા જેવા ગામોનો સમાવેશ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR