પાટણ જિલ્લામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થશે
પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લામાં નાગરિકોની ફરિયાદો સાંભળવા અને ઉકેલવા માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ 28 ઓગસ્ટ, 2025 (ગુરુવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે કલેકટર કચેરી, પાટણ ખાતે યોજાશે. તા
પાટણ જિલ્લામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન


પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લામાં નાગરિકોની ફરિયાદો સાંભળવા અને ઉકેલવા માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ 28 ઓગસ્ટ, 2025 (ગુરુવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે કલેકટર કચેરી, પાટણ ખાતે યોજાશે. તાલુકા કક્ષાનો કાર્યક્રમ 26 ઓગસ્ટ, 2025 (મંગળવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે સંબંધિત મામલતદાર કચેરીઓ ખાતે યોજાશે.

શંખેશ્વર તાલુકાનો કાર્યક્રમ કલેકટર, પાટણના અધ્યક્ષપણા હેઠળ અને હારીજ તાલુકાનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપણા હેઠળ યોજાશે. જ્યારે પાટણ (ગ્રામ્ય), પાટણ (શહેર), સિધ્ધપુર, સાંતલપુર, ચાણસ્મા, રાધનપુર, સરસ્વતી અને સમી તાલુકાઓમાં સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીશ્રીના અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમ યોજાશે.

ફરિયાદો અંગેની અરજીઓ 10 ઓગસ્ટ, 2025 સુધીમાં બે નકલમાં જમા કરાવવાની રહેશે. જિલ્લા કક્ષાની અરજીઓ કલેકટર કચેરી, પાટણ ખાતે અને તાલુકા કક્ષાની અરજીઓ સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાની રહેશે. જિલ્લા કક્ષાની અરજી માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને તાલુકા કક્ષાની અરજી માટે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ એવું અરજીના મથાળે લખવાનું રહેશે. અરજીમાં મોબાઇલ નંબર લખવો અને જરૂરી પુરાવા જોડવા જરૂરી રહેશે.

આ કાર્યક્રમ હેઠળ કર્મચારીઓની નોકરી સંબંધિત, કોર્ટમાં ચાલુ કેસો, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતો અંગેની અરજીઓ સ્વીકારવામાં નહિ આવે. અગાઉ રજૂ કરેલી ફરિયાદો ફરીથી રજૂ કરી શકાશે નહીં. એક અરજીમાં માત્ર એક જ પ્રશ્નનો સમાવેશ કરવો. અરજદારે કાર્યક્રમના દિવસે પોતે હાજર રહેવું ફરજિયાત રહેશે. કાર્યક્રમનો ઉદ્દેશ નાગરિકોની યોગ્ય ફરિયાદોનું સંતોષકારક નિવારણ લાવવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande