પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગુજરાત જોડો જનસભામાં, યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મંચ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે આરોપ મૂક્યો કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે.
યુવરાજસિંહે દાવો કર્યો કે, રાધનપુરમાં બુટલેગરો પોલીસના સહકારથી પોતાનું દારૂનું જાળું ચલાવે છે. પોલીસ તેમની પાસેથી હપ્તા લે છે અને દારૂની ગાડીઓને સુરક્ષા આપે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, હપ્તાખોરી અને સાંઠગાંઠથી ધંધો ચલાવી રહેલા બુટલેગરોને પોલીસ પીઠબળ આપે છે.
આ નિવેદન પછી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા સર્જાઈ છે. યુવરાજસિંહના આક્ષેપોના પગલે રાધનપુર પોલીસ તંત્ર પર સવાલો ઊઠવા લાગ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર