અમરેલી 5 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લામાં હાલ મકાઈના ભૂટાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શ્રાવણ માસના આરંભ સાથે જ લોકો ધર્મિક સ્થાનો, હિલસ્ટેશન જેવા ફરવા લાયક સ્થળો તરફ વધુમાં વધુ જવા લાગ્યા છે. આ સમયે ખાસ કરીને માર્ગછાપ વાનગીઓ અને સીઝનલ ખાદ્યપદાર્થોમાં મકાઈના ભૂટાનો ક્રેઝ વધી ગયો છે. મકાઈનો ભૂટો એક લોકપ્રિય તાત્કાલિક નાસ્તો છે અને શ્રાવણ માસમાં તેની માંગમાં ઉછાળો આવતા અત્યારસુધીમાં જે ભૂટો રૂ.15 થી રૂ.20 નાં દરે મળતો હતો તે હવે રૂ.30 થી રૂ.40 સુધીમાં વેચાઈ રહ્યો છે.
હાલમાં અમરેલીના વિવિધ સ્થળોએ, ખાસ કરીને મંદિરો, તળાવકાંઠા અને ટૂરિસ્ટ પોઈન્ટ નજીક આવા ભૂટાના સ્ટોલો જોવા મળે છે. ભૂટાના વેચાણમાં સંકળાયેલા લોકોને એવી સ્પષ્ટ રીતે લાગણી છે કે શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ તથા શાકાહારી ખોરાક તરફ વધુ વળે છે અને મકાઈના ભૂટા સ્વાદિષ્ટ હોવા સાથે ઉપવાસમાં પણ ચાલે છે, એના કારણે તેની માંગ અત્યંત વધી ગઈ છે.
ભાવના કારકો:
મકાઈના ભાવ વધવાનું મુખ્ય કારણ છે - સિઝનનો સમયે સમય. હાલમાં વરસાદ ચાલુ હોવાથી ખેતરોમાંથી તાજી મકાઈ બજારમાં આવી રહી છે. બીજી બાજુ રોડસાઈડ ખાવાની પ્રથા વધતા ભૂટાનું વેંચાણ પણ વધ્યું છે. ઊંચી માંગ હોવા છતાં પુરવઠો મર્યાદિત હોવાથી ભાવમાં વૃદ્ધિ નોંધાઈ છે.
સ્થાનિક વેપારીઓનો અવાજ:
ભૂંટા વેચનાર રવજીભાઈ પરમાર, જે છેલ્લા પાંચ વર્ષથી અમરેલીના રિદ્ધિ-સિદ્ધિ મહાદેવ મંદિર નજીક મકાઈના ભૂટાનું વેચાણ કરે છે, તેઓ કહે છે, હાલમાં શ્રાવણ માસમાં ભક્તો અને પરિવારો મોટી સંખ્યામાં મંદિરો અને નદી-તળાવ પાસે આવે છે. ભૂટાનું વેંચાણ વધી ગયું છે. અગાઉ હું રૂ.15 થી રૂ.20 માં ભૂટો વેચતો હતો, પણ હાલ મને રોજના લગભગ 100 નંગ ભૂટા વેચાઈ જાય છે અને ભાવ પણ રૂ.30 થી રૂ.40 સુધી લેવાય છે.
તેમણે જણાવ્યું કે મકાઈ બજારમાં ઓછી આવી રહી છે. વરસાદ અને કેટલીક જગ્યાએ પાકને નુકસાન પહોંચતા પૂરતો સ્ટોક મળતો નથી. જેથી જેણે મકાઈ વાવે છે એ ખેડૂતને પણ ઊંચો ભાવ મળે છે અને રસ્તા પર વેચનારને પણ નફો મળતો થયો છે.
ભૂતાની કિંમત વધવાને લઇને કેટલાક ગ્રાહકો ખુશ છે તો કેટલાક ઓછી કિંમત માટે વિચારતાં થયા છે. અમરેલીનાં રહેવાસી નિલમબેન પટેલ કહે છે, ભૂટો સીઝનલ છે, દુર્લભ નથી પણ શ્રાવણ માસમાં એમનો ટેસ્ટ કંઈક જુદો જ લાગે છે. ભલે ભાવ વધ્યા હોય પણ ભક્તિભરેલા શ્રાવણમાં ભૂતાનો સ્વાદ લેવાનો મઝો જ બીજો છે.
જ્યારે કેટલાક યુવાનો કહે છે કે રસ્તા પર મળતો ભૂટો હવે મોંઘો લાગી રહ્યો છે, અગાઉની જેમ હવે રૂપિયા 10-15માં ક્યાં મળતો નથી, છતાં ડિમાંડ તો છેજ.
મકાઈનો પાક વરસાદ પર આધારિત હોવાથી તેને સાચો પાક મળવો મુશ્કેલ હોય છે. જો વરસાદ વધારે થાય તો પાક બગડે અને ઓછો પડે તો મકાઈનું દાણા પૂરતું ભરતું નથી. આમ આ વર્ષે પણ અમુક વિસ્તારોમાં મકાઈના ઉત્પાદન પર અસર થઈ હોવાથી બજારમાં પૂરતો આવક જોવા મળતી નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai