ભુજ - કચ્છ, 5 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વ વિરાસત અને હડપ્પન્ન સંસ્કૃતિને ધરબી બેઠેલા ભારત પાકિસ્તાન સરહદના કચ્છના પુરાતન નગર ધોળાવીરા પાસે મંગળવારે સવારે 7.20 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રીખ્ટર સ્કેલ ઉપર આ ભૂકંપ ના આંચકાની તીવ્રતા 3.7ની નોંધાઈ છે. કેન્દ્રબિન્દુ 27 કિલોમીટર દૂર નોંધાયું છે.
જૂની ફોલ્ટલાઈન સહિત કંપનનો દૌર
ધોળાવીરાથી 27 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં 3.7ની તીવ્રતાની ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ નોંધ લીધી હતી.ચિંતાની વાત એ છે કે, ભુજ તાલુકાના ગોરા ડુંગર પરની નવી ફોલ્ટ લાઈન ઉપર 4ની તીવ્રતનાં કંપન બાદ છેલ્લા એક મહિનામાં આ 9મો આંચકો નોંધાયો છે. 8 જુલાઈથી ફરી ભૂકંપના આંચકા અનુભવાવા લાગ્યા છે.
થોડા દિવસોના અંતરે નોંધાયા આંચકા
આ પહેલાં 31 જુલાઈએ બેલા નજીક 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 29 જુલાઈએ ખાવડા વિસ્તારમાં 3.7, 27 જુલાઈએ ધોળાવીરા પાસે 3, 20 જુલાઈએ ભુજ તાલુકાના સરહદી ગોરા ડુંગર નજીક 4 અને ભચાઉ પાસે 3.1, 17 જુલાઈએ ભચાઉ પાસે 3.2 અને 8 જુલાઈએ ખાવડા વિસ્તારમાં 2.7ની તીવ્રતાનું કંપન નોંધાયું હતું. અગાઉ 22 એપ્રિલે કચ્છમાં આંચકો અનુભવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA