ભુજ - કચ્છ, 5 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત ભાતીગળ સંસ્કૃતિઓની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય છે. આ ધરતી પર અનેક લોકોએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. લોકસંસ્કૃતિએ વિવિધ કળાઓથી ભરપૂર માનવસમૂહ દ્વારા થયેલું સર્જન છે. આ જ સર્જનયાત્રામાં કચ્છની લોકનારીઓ વિવિધ હસ્તકળાના માધ્યમથી આ સંસ્કૃતિને જીવંત રાખી રહી છે.
છેવાડાની મહિલાઓને મળ્યું માર્કેટિંગ પ્લેટફોર્મ
રાજ્યના છેવાડાના ગામમાં રહેતી, ઘર સંભાળતી લોકનારીઓ સરકારના આર્થિક સહયોગ તથા માર્કેટીંગ પ્લેટફોર્મ થકી આજે વૈવિધ્યસભર કલાથી વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. રાજ્ય સરકારના મહિલાઓને પ્રોત્સાહન આપવાની નીતી હેઠળ આવા જ ભુજમાં આયોજિત હાથશાળ અને રાખી મેળામાં પોતાની કલાનું પ્રદર્શન કરતા સખીમંડળના માધાપરના મહિલા છાયાબેન ભટ્ટ પાસેથી જાણીએ તેમના ભાતીગળ કલા અને આવડતના ઉત્કૃષ્ટ સર્જન વિશે.
22 મહિલા કલા પાથરીને માસિક 8 હજારની આવક
કચ્છના માધાપરના રહેવાસી છાયાબેન ભટ્ટે ભુજ હાટ ખાતેના પ્રદર્શન વિવિધ સ્ટોલનું આયોજનમાં તેમને પ્રથમ વખત પોતાની કામગીરી લોકો સુધી પહોંચાડવાની અમૂલ્ય તક મળી તે બદલ ખુશી વ્યક્ત કરી હતી.
આ સાથે જ છાયાબેને જણાવ્યુ હતું કે, તેઓ જય અંબે મિશન મંગલ અને પૃથ્વી મિશન મંગલમ સખી મંડળ સાથે જોડાયેલા છે. જેમાં વિવિધ ગામના 22 બહેનો સાથે મળીને પોતાની કલા થકી ઘરે બેઠા આવક પ્રાપ્ત કરી રહી છે. આ સખી મંડળ દ્વારા મડવર્ક, ગોબર આર્ટ, વિવિધ ભરતકામ, ગોબરથી બનાવેલી ઘર સુશોભનની વસ્તુઓ તેમજ હેન્ડમેડ જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. આમ, સરકારની યોજના હેઠળના સખીમંડળના માધ્યમથી સંગઠિત અશિક્ષિત મહિલાઓ પણ ઘરે જ રહીને પોતાની આવડત થકી માસિક રૂ. 7થી 8 હજારની આવક કરીને ઘરમાં મદદરૂપ થઈ રહી છે.
રાજ્ય સરકારની યોજનાઓનો લાભ
વધુમાં તેઓ ઉમેરે છે કે, મહિલાઓના આ વિકાસમાં રાજ્ય સરકાર દ્વારા લોનની યોજના અને ઉદ્યોગના પ્રચાર પ્રસાર માટે ગોઠવવામાં આવતાં વિવિધ પ્રકારના એક્ઝીબિશન દ્વારા આજે મારા જેવી અનેક મહિલાઓને લાભ થઈ રહ્યો છે, તો છેવાડાની મહિલાને પોતાની કલા થકી આવકનો સ્ત્રોત પ્રાપ્ત થઈ રહ્યો છે. મહિલાઓના વિકાસ માટે હંમેશા ચિંતિત એવા રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યકત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA