ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) કલેકટર એન.વી.ઉપાધ્યાયની સૂચના અંતર્ગત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે, ગીર સોમનાથ જિલ્લામાં પી.સી. પી.એન.ડી.ટી એક્ટ અન્વયે હેઠળ નોંધાયેલ વેરાવળ તાલુકાની સાત ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી.
“પીસી પીએનડીટી કાયદા તપાસ ઝુંબેશ” અંતર્ગત સબ ડિસ્ટ્રીકટ એપ્રો.ઓથોરીટી-કોડીનારના જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ દ્વારા વેરાવળ તાલુકા ખાતેની કુલ-૭ ગાયનેકોલોજિસ્ટની હોસ્પિટલનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ તપાસમાં હોસ્પિટલ દ્વારા પી.સી. પી.એન.ડી.ટી. એક્ટના નિયમોનુસાર નિભાવવાના થતા રેકોર્ડ રજીસ્ટર્સ, ફોર્મ-એફ, સોનોગ્રાફી મશીન અને ઇમેજિંગ મશીનના મોડેલ તેમજ સીરિયલ નંબર ચેકિંગ, ભ્રુણ પરીક્ષણ અંગેનું બોર્ડ તેમજ અન્ય કાયદાની લગતી વિગતોની સઘન તપાસ કરવામાં આવી હતી.
હોસ્પિટલના ડોક્ટર્સને ભ્રુણ પરીક્ષણ અંગે કાયદાનું ચુસ્ત પાલન કરવા તેમજ પોતાની હોસ્પિટલ નાપીસી પીએનડીટી કાયદા હેઠળ નિભાવવાના થતા તમામ રેકર્ડમાં કોઈ ક્ષતિ ન રહે તે અંગે તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત હોસ્પિટલમાં આવનાર સગર્ભા કે તેઓના સગા દ્વારા ગર્ભમાં રહેલા બાળકનું જાતી પરીક્ષણ કરવાનું જણાવે તો તેમને એમ ન કરવા સમજાવવા અને તાત્કાલિક જાણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દીકરીઓના જન્મને વધાવવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજાય છે. આ કાર્યક્રમ અન્વયે દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેમજ સ્ત્રી ભ્રુણ અટકાયતી કાયદો પીસી પીએનડીટી એકટ હેઠળ કાયદાકીય કામગીરી પણ કરવામાં આવે છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ