ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વ-૨૦૨૫ની ઉજવણી ગીરગઢડા ખાતે થશે. આ ઉજવણી અંતર્ગત કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈ હતી.
સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની પૂર્વતૈયારીઓ અંગે રાષ્ટ્રીય તહેવારોને અનુરૂપ દેશભક્તિ સભર આ કાર્યક્રમમાં સુનિયોજીત વ્યવસ્થા ગોઠવાય અને નાગરિકોની મહત્તમ ભાગીદારી નોંધાય તે અંગે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, મહેસૂલ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.
કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સર્વેને અમૃત સરોવર ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી બાબતે, સંપૂર્ણ સફાઈ અભિયાન ચલાવવા, રોડ-રસ્તા પર જરૂરી પેચવર્ક સહિત મેડિકલ અને ફાયર ફાઈટરની ટીમ સહિત ઓપરેશન સિંદૂર, નાણાકીય યોજનાઓના જન સંતૃપ્તિ અભિયાન, સ્વચ્છતા થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, તમામ સરકારી કચેરીઓ પર ૧૩ ઓગસ્ટ થી લઈ અને ૧૫મી ઓગસ્ટ સુધી રોશની કરવા સહિતના મુદ્દે માર્ગદર્શિત કર્યાં હતાં.
આ ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોજાનારા કાર્યક્રમ સંદર્ભે પણ કલેકટરએ જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે ‘હર ઘર તિરંગા’ અભિયાનની રૂપરેખા જણાવી જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત સંબંધિત વિભાગને વીજ પુરવઠો જળવાઈ રહે તેમજ પીવાના પાણીની વ્યવસ્થા, ટ્રાફિકના સંચાલનની વ્યવસ્થા, વૃક્ષારોપણને લગતી વ્યવસ્થા જાળવવા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી.
જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જ તાલુકા કક્ષાએ વેરાવળ તાલુકાના મેઘપુર ખાતે, તાલાલા તાલુકાના રામપરા, સૂત્રાપાડાના પીપળવા અને કોડીનારના પીપળી તેમજ ઉનાના આમોદ્રા ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી સુનિયોજીત રીતે કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયા, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા સહિત શિક્ષણ, આરોગ્ય, પી.જી.વી.સી.એલ સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ