ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિ. સુત્રાપાડા તથા વેરાવળ તાલુકાની તમામ સહકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને સહકારી આગેવાનોની સંયુક્ત બેઠક આજે સુત્રાપાડાના ચામુંડા માતાજી ની વંડી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ચેરમેન જશાભાઈ બારડની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
કાર્યક્રમમાં બેંકના ઉચ્ચ અધિકારીઓ તેમજ બંને તાલુકાની ૨૨ સહકારી મંડળીઓને માઇક્રો એ.ટી.એમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેનું મુખ્ય હેતુ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેલા ખેડૂત પરિવાર સુધી નાણાકીય સેવાઓ સરળતાથી પહોંચે અને સહકારના માધ્યમથી સશક્તિકરણ શક્ય બને.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા ખેડૂત મિત્રોને કેન્દ્ર સરકારના બજેટ પ્રમાણે રૂ. ૫ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવી રહ્યું છે. જેમાં તા. ૧-૭-૨૦૨૫ ના નાબાર્ડના પરિપત્ર મુજબ રૂ. ૩ લાખ સુધીનું વ્યાજ માફ છે, જ્યારે ઊપરી રૂ. ૨ લાખનું વ્યાજ ખેડૂતોએ ભરવાનું છે. જોકે, બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નિર્ણય કર્યો છે કે ૩ લાખથી વધુના રકમ પર ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધીના વ્યાજનો ખર્ચ બેંક પોતાના ભંડોળમાંથી ભોગવશે.
આ નિર્ણયોનું મંડળીઓના તમામ પ્રમુખો અને મંત્રીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. સાથે જ NCOL (NATIONAL CO-OPERATIVE ORGANIZATION LTD.), NCEL (NATIONAL CO-OPERATIVE EXPORT LTD.), અને BBSSL (BHARATIYA BEEJ SAHAKARI SAMITI LTD.) જેવી નેશનલ લેવલ સહકારી સંસ્થાઓના સભ્યપદ માટે મંડળીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતિમાં શૈલેન્દ્રસિંહ રાઠોડ, દિલીપભાઈ ઝાલા, જીલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડ, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, જયંતીભાઈ ઝાલા, હમીરભાઈ ડોડીયા, દાનસિંહ પરમાર, સુરસિંહ મોરી, રામભાઈ બારડ, સવદાસ ઝાલા, હમીરભાઈ ઝાલા, પ્રતાપ પરમાર, એભાભાઈ મેર, ગાડાંભાઈ નકુમ, બચુભાઈ મેર, મેરુભાઈ મેર, રામભાઈ પટેલ, કાનાભાઈ બારડ અને બેંકના અધિકારી કે.સી. પટેલ તેમજ તમામ શાખાના મેનેજરો તથા મોટી સંખ્યામાં મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડેપ્યુટી મેનેજર ભગતભાઈ ઝાલાએ કરેલું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ