ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) ગિર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે, આજે કટોકટીની સ્થિતિમાં તરત કામગીરી કરી માતા અને નવજાત બાળકના જીવ બચાવી બંનેને સુરક્ષિત હોસ્પિટલ સુધી પહોંચાડ્યાં – માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જંગર ગામે વસવાટ કરતી બેન ને અચાનક પ્રસૂતિના દુઃખાવા શરૂ થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં કોલ કરવામાં આવ્યો હતો.
તાલાલા ૧૦૮ ની ટીમમાં ફરજ પર હાજર ઈએમટી બાબુભાઈ વાજા અને પાયલોટ ભરતભાઈ સમય સૂચકતા સાથે સ્થળ પર પહોંચ્યા અને સગર્ભા મહિલાને લઈ હોસ્પિટલ તરફ રવાના થયા. જોકે રસ્તામાં જ દુઃખાવામાં તેજી આવતાં ઈએમટી બાબુભાઈ વાજાએ પોતાની તદ્દન નિપુણતા, હિમ્મત અને હેડ ઓફિસના તબીબી માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી.
આ પ્રસંગે માતા તથા નવજાત દીકરો બંને સંપૂર્ણ સ્વસ્થ હતા અને ત્યારબાદ બંનેને સુરક્ષિત રીતે વેરાવળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહિલાના પરિવારજનોએ દીકરાના જન્મ સાથે ખુશી વ્યક્ત કરી અને ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમના કર્મચારીઓનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. જિલ્લાની ૧૦૮ સેવાઓના અધિકારીઓ આકાશ સર તથા વિશ્રુત જોષી સરે કર્મચારીઓના સમર્પિત કાર્યો માટે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
આ ઘટના ફરીવાર સાબિત કરે છે કે, ૧૦૮ એમ્બ્યુલન્સ માત્ર પરિવહન સેવા નહીં પણ જીવ બચાવતી જીવનદાયી સેવાઓનું પ્રતિબિંબ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ