પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)પાટણ એસઓજી પોલીસે સરસ્વતી તાલુકાના મોરપા ગામ અને શંખેશ્વરના ટુવડ ગામમાંથી બે બોગસ તબીબો સામે સફળ કાર્યવાહી કરી છે. બંને તબીબો કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વિના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે રેડ કરી અને બંનેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મોરપા ગામમાં રહેતા બિપીનભાઈ બાબુભાઈ પ્રજાપતિ (ઉંમર 48), પાટણની કૈલાશનગર સોસાયટીના રહેવાસી છે. તેઓ ગામમાં એક મકાનની ઓસરીમાં દવાખાનું ચલાવતા હતા અને પોતાના અનુભવના આધારે દર્દીઓની તપાસ અને સારવાર કરતા હતા. પોલીસે તેમના દવાખાનેથી રૂ. 2938.51ની કિંમતની એલોપથી દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો છે.
શંખેશ્વરના ટુવડ ગામમાં હબીબભાઈ ઉસ્માનભાઈ વોરા (ઉંમર 35, રહે. દદુખા, તા. સમી) પણ એક ભાડાના મકાનમાં દવાખાનું ચલાવતા હતા. તેમનાં દવાખાનેથી પોલીસે રૂ. 9666ના મેડિકલ માલસામાન સહિત દવાઓ અને ઇન્જેક્શન જપ્ત કર્યા છે. બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર