પાટણ, 8 ઓગસ્ટ (હિ.સ.)જિલ્લા સેવા સદન, પાટણ ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં 'હર ઘર તિરંગા' અને 'હર ઘર સ્વચ્છ' અભિયાન સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ વર્ષે દેશભક્તિની સાથે સ્વચ્છતાનું સંકલન કરીને જાગૃતિ લાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને આ અભિયાનમાં હર્ષભેર જોડાવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં નિર્ણય લેવાયો કે સ્વચ્છતા અભિયાનને લઈને વિશેષ જનજાગૃતિ કરાશે. 13 ઓગસ્ટે પાટણ જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, નગરજનો અને સામાજિક સંસ્થાઓ જોડાશે. સાથે જ ગ્રામ્ય, નગરપાલિકા અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે.
શાળાઓમાં રાષ્ટ્રભક્તિથી પરિપૂર્ણ વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકલા, રંગોળી અને ક્વિઝ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ યોજાશે. પાટણ જિલ્લો પણ સમગ્ર દેશમાં જેમ સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે દેશભક્તિના રંગે રંગાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર વી.એલ. બોડાણા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર